HMPV Virus in India: ચીન બાદ ભારતમાં પણ હ્યુમન મેટાપેન્યૂમોવાયરસ (HMPV)ના આવવાથી લોકોમાં ચિંતાઓ વધવા લાગી છે. હવે મુંબઈમાં એક નવો મામલો સામે આવ્યો છે. મુંબઇ પવઇ સ્થિત હિરાનંદાની હૉસ્પિટલમાં છ મહિનાની બાળકીમાં HMPVનો કેસ નોંધવામાં આવ્યો છે, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદ અને મુંબઈમાં એક-એક કેસ નોંધાયા છે.
કોવિડ-19 જેવો વાયરસ નથી
ચીનમાં આ વાયરસના સંક્રમણને લગતા કેસ વધવાને કારણે ભારતમાં પણ લોકો ડરવા લાગ્યા છે. કેટલાક લોકોએ આ રોગની તુલના કોવિડ-19 સાથે કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે HMPV નવો વાયરસ નથી. તેમણે કહ્યું કે તેની ઓળખ સૌપ્રથમ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ચીનમાં HMPVના કેસ વધી રહ્યા છે, જેના પર ભારત સરકાર નજર રાખી રહી છે.
6 મહિનાની બાળકી HMPV થી સંક્રમિત
મુંબઈમાં જે છોકરીમાં HMPV નો કેસ નોંધાયો છે તે માત્ર છ મહિનાની છે. 1 જાન્યુઆરીએ છોકરીને ગંભીર ઉધરસ, છાતીમાં જકડ અને ઓક્સિજનનું સ્તર 84 ટકા સુધી ઘટી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોએ નવા ઝડપી પીસીઆર ટેસ્ટ દ્વારા પુષ્ટી કરી છે કે તે HMPV થી સંક્રમિત છે. બાળકીને આઈસીયુમાં લક્ષણો માટે બ્રોન્કોડિલેટર જેવી દવાઓ સાથે સારવાર આપવામાં આવી હતી અને પછી પાંચ દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
દરમિયાન BMC આરોગ્ય વિભાગે કહ્યું કે તેમને આ કેસનો કોઈ રિપોર્ટ મળ્યો નથી પરંતુ તેમણે ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર શ્વસન ચેપ માટે દેખરેખ વધાર્યું છે. ડોકટરો કહેતા આવ્યા છે કે એચએમપીવી મુખ્યત્વે બાળકો અને વૃદ્ધોને દાયકાઓથી અસર કરે છે, પરંતુ તે કોવિડ જેવી મહામારીનું કારણ બની શકે નહીં.
HMPV ના લક્ષણો
એચએમપીવી એ એક વાયરસ છે જે માનવ ફેફસાં અને શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. આ સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવી સ્થિતિનું કારણ બને છે. HMPV ચેપ એવા લોકોમાં સામાન્ય છે જેઓ પહેલેથી બીમાર છે અથવા એલર્જીથી પીડાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે (6 જાન્યુઆરી) જણાવ્યું હતું કે કેટલાક અન્ય રાજ્યોમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ના કેસ નોંધાયા પછી લોકોએ ગભરાવું જોઈએ નહીં. ફડણવીસે કહ્યું કે તેમની સરકાર ટૂંક સમયમાં જ પરિસ્થિતિ અંગે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરશે.
દુનિયાભરમાં HMPV વાયરસથી મચ્યો હાહાકાર, જાણો COVID-19 થી કેટલો છે અલગ ?