નવી દિલ્હીઃ મલેશિયાથી આવેલા તબલીગી જમાતના 8 લોકોએ રવિવારે દેશ છોડીને ભાગવાની કોશિશ કરી હતી. તેમને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા. ટુરિસ્ટ વિઝા પર આવેલા વિદેશી જમાતીઓના વિઝા પહેલાથી જ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને હવે તેમના પર કાનૂની કાર્યવાહીની તલવાર લટકી રહી છે.


તમામ નાગરિકો મલેશિયાના છે અને માલિંદ એર રિલીફ ફ્લાઇટમાં ચડવાની કોશિશ કરતા હતા. તે દરમિયાન ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને ટ્રેસ કરવામાં આવ્યા અને બાદમાં પોલીસને સોંપી દેવાયા હતા.



દેશના કુલ કોરોના મામલામાં 30 ટકા જમાતી

દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા હતા. જેમાં ભારત ઉપરાંત 16 અન્ય દેશોના નાગરિકો પણ સામેલ હતા. જેમાંથી મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધી એક હજારથી વધારે જમાતી કોરોના સંક્રમિત મળ્યા છે. દેશમાં આવેલા કુલ મામલામાં તેમનો હિસ્સો 30 ટકા જેટલો છે.

 તબલીગી જમાતની શું છે કામગીરી ?

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.