ભારતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા સહિત આઠ રાજ્યોમાં કોરોનાના 90 ટકા એક્ટિવ કેસ નોંધાયા છે જ્યારે 86 ટકા મોત મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે.
કોવિડ-19 પરના ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ને જણાવાયું હતું કે, સમગ્ર દેશમાં 3,914 કેન્દ્રો છે, જેમાં આઈસીયુ સપોર્ટ વિના 3,77,737 આઈસોલેશન બેડ્સ, 39,820 આઈસીયુ બેડ અને 20,047 વેન્ટિલેટર્સ સાથે 1,42,415 ઓક્સિજનની સુવિધા સાથેના બેડ છે. વધુમાં દેશમાં 21.3 કરોડ એન-95 માસ્ક, 1.2 કરોડ પીપીઈ કીટ અને 6.12 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વિન ટેબ્લેટ્સનું વિતરણ કરાયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં સરેરાશ 20,000થી વધુનો ઊછાળો આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો બીજો દેશ હોવા છતાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ ભારતમાં કોરોનાના કેસ અને મોત વૈશ્વિક સરેરાશ કરતાં ઘણા ઓછા છે. ભારતમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ કોરોનાના કેસ 538 અને મોત 15 નોંધાયા છે જ્યારે વૈશ્વિક સરેરાશ અનુક્રમે 1453 અને 68.7 છે.
વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના ટેસ્ટિંગ માટે દૈનિક સરેરાશ 2.6 લાખથી વધુ સેમ્પલ્સ લેવાય છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ અને રિકવર કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. દેશમાં આજે કોરોનાથી રિકવરી રેટ 62.64 ટકા થઈ ગયો છે.