નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 941 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 37 લોકોના મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં 325 જિલ્લા એવા છે કે જેમાં કોરોનાવાયરસ રોગના કોઈ કેસ નથી.




લવ અગ્રવાલે કહ્યું હતું કે જે વિસ્તારોને કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે ત્યાં પીવાના પાણીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ગુરુવારે કોવિડ -19 કેસની કુલ સંખ્યા 12,000ને પાર પહોંચી છે. મૃત્યુઆંક વધીને 414 થયો છે.

ICMRના રમણ ગંગાખેડકરે જણાવ્યું કે એન્ટીબોડી ટેસ્ટ દરેક ક્ષેત્રમાં ઉપયોગનો ફાયદો નથી. તેનો હોટસ્પોટમાં જ ઉપયોગથી ફાયદો થશે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2 લાખ 90 હજારથી વધુ ટેસ્ટ થયા. જેમાંથી 30,043 ટેસ્ટ બુધવારે કરવામાં આવ્યા છે. જેમાંથી 26,331 ટેસ્ટ ICMR લેબ અને 3,712 ટેસ્ટ પ્રાઈવેટ લેબમાં થયા. તેમણે કહ્યું આપણી પાસે 8 સપ્તાહ સુધી ટેસ્ટ કરવા માટે કિટ છે.



કોરોના વાયરસને મ્હાત આપી 1,488 જેટલા લોકો સ્વસ્થ થયા છે. કુલ 414 મોતમાંથી મહારાષ્ટ્ર 187 મોત સાથે ટોચ પર છે, ત્યારબાદ મધ્યપ્રદેશ 53, ગુજરાત 33, દિલ્હીમાં 32 અને તેલંગણા 18 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 14 અને આંધ્રપ્રદેશમાં 14 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12380 થઈ છે અને કુલ મોતનો આંકડો 414 પર પહોંચ્યો છે. કોરોના વાયરસથી દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં 2916 કેસ સામે આવી ચૂક્યા છે અને 187 લોકોના મોત થયા છે.