નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. કોરોનાના કેસ વધતા અટકાવવા ટેસ્ટ જ સચોટ વિકલ્પ છે પરંતુ દેશમાં ટેસ્ટ કિટની અછત હોવાથી હાલ ધાર્યુ પરિણામ મળતું નથી. આ સંજોગોમાં ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઈસની રાષ્ટ્રીય રેગ્યુલેટરી બોડી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન(CDSCO) દ્વારા બે કંપનીઓને રેપિડ ટેસ્ટ કિટ(RTKs) બનાવવાની મંજૂરી આપી છે.


ભારતે ચીનને 5 એપ્રિલ અને 9 એપ્રિલ એમ બે વખત રેપિડ ટેસ્ટ કિટ મોકલવાની વિનંતી કરી હોવા છતાં સમયસર નથી મળી તેવા સમયે જે આ પગલું સામે આવ્યું છે. ચાલુ મહિનાની શરૂઆતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ - નવી દિલ્હી, એચએલએલ લાઇફકેર - કેરળ અને વોક્સટર બાયો લિમિડેટ - ગુજરાત એમ ત્રણ કંપનીઓની રેપિડ ટેસ્ટ કિટ સેમ્પલ મંજૂર કર્યા હતા. આ કંપનીઓ દ્વારા ટેસ્ટ કિટના મેન્યુફેક્ચરિંગના લાયસન્સ માટે અરજી કરવામાં આવી હતી અને મંજૂર કરાઈ હતી.

HLL અને વોક્સટૂર દ્વારા પ્રોડક્શન શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. એક લાખ રેપિડ ટેસ્ટ કિટનો પ્રથમ જથ્થો 20 એપ્રિલ સુધીમાં ડિલિવર થઈ જાય તેવી આશા છે. જ્યારે વેનગાર્ડ ત્રણ સપ્તાહની અંદર પ્રોડક્શન શરૂ કરશે.

હાલ ટેસ્ટમાં વપરાતી કિટમાં રિઝલ્ટ મળતા પાંચ કલાક જેટલો સમય લાગે છે જ્યારે આ કિટથી માત્ર 30 જ મિનિટમાં રિઝલ્ટ મળશે. HLL લાઇફકેર લિમિટેડ જાણીતી કોન્ડોમ બ્રાન્ડ નિરોધ બનાવે છે. જેણે તેના માનેસર પ્લાન્ટમાં કિટનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.

કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અમને સોમવારે (13 એપ્રિલ) સીડીએસસીઓ તરફથી મંજૂરી મળ્યા બાદ કિટ બનાવવાનું શરૂ કર્યુ છે. એક અઠવાડિયામાં એક લાખ કિટ બનાવવાની અમારી ક્ષમતા છે. અમે સીધો જ આઈસીએમઆરને કિટનો સપ્લાઇ કરીશું.