જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે બુધવારે દેશના 50મા ચીફ જસ્ટિસ  તરીકે શપથ લીધા હતા. ચીફ જસ્ટિસ બન્યા બાદ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સામાન્ય માણસના હિતમાં કામ કરશે. ચીફ જસ્ટિસે એક સફાઇ કર્મચારી વિરુદ્ધ અરજી દાખલ કરવા બદલ તમિલનાડુ સરકારને ઠપકો આપ્યો હતો. તમિલનાડુ સરકારની આ અરજીને ફગાવી દેતા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે શું થઈ રહ્યું છે? રાજ્ય સરકાર પણ સફાઈ કામદાર સામે અપીલ કરી રહી છે? શું આટલી શક્તિશાળી સરકાર છે અને સફાઈ કામદાર સામે આટલી હદે આવી શકે છે? આ ખેદજનક છે.


વાસ્તવમાં મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં સરકારી શાળામાં પાર્ટ ટાઈમ નોકરી કરતા સફાઈ કર્મચારીને કાયમી નિમણૂકનો લાભ આપવાનો આદેશ આપ્યો હતો. તેની સામે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.


જ્યારે આ મામલો ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ આવ્યો ત્યારે તેમણે કહ્યું હતુ કે એક વ્યક્તિએ 22 વર્ષ સુધી સ્કૂલમાં સેવા આપી હતી. જ્યારે તે 22 વર્ષ પછી ઘરે પરત ફર્યો ત્યારે તે કોઈપણ પેન્શન, ગ્રેચ્યુઈટી વિના પરત ફર્યો હતો. આ આપણા સમાજનું સૌથી નીચું સ્તર છે. સરકાર એક સફાઈ કામદાર સામે કોર્ટમાં આવી રહી છે તેનાથી આશ્ચર્ય થયું છે.






સામાન્ય માણસના હિતમાં કામ કરીશું - CJI


જસ્ટિસ ચંદ્રચૂડે બુધવારે CJI તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પછી તેઓ કોર્ટ પરિસરમાં સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સામાન્ય માણસના હિતમાં કામ કરશે. આ પછી ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ તેમની ચેમ્બરમાં ગયા હતા. તેમણે અહીં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. CJI તરીકે જસ્ટિસ ચંદ્રચૂડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી બે વર્ષનો રહેશે