Arvind Kejriwal: મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ હવે સીએમ કેજરીવાલ કેબિનેટમાં ફેરબદલ કરવા જઈ રહ્યા છે. સીએમ કેજરીવાલે AAP ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને કેબિનેટમાં મંત્રી બનાવવા માટે મોકલ્યા છે.






દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા 9 મહિનાથી જેલમાં છે. ભૂતકાળમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બંને મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેને સીએમ કેજરીવાલે સ્વીકારી લીધું હતું.


આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પાર્ટી સૌરભ ભારદ્વાજ અને આતિશીને કેજરીવાલ સરકારમાં મંત્રી બનાવવા માંગે છે. કેજરીવાલે તેમની નિમણૂક માટે ફાઇલ એલજીને મોકલી છે.


સૌરભ ભારદ્વાજ


સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાશ વિધાનસભાથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા. તેઓ વર્ષ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 49 દિવસની કેજરીવાલ સરકારમાં 4 મોટા વિભાગોના મંત્રી પણ હતા. પરિવહન, ખાદ્ય અને પુરવઠા, પર્યાવરણ અને GAD વિભાગો તેમને સોંપવામાં આવ્યા હતા. સૌરભ ભારદ્વાજ વર્ષ 2015માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2020માં ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 2022માં તેઓ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.


આતિશી માર્લેના


2019 માં આતિશી માર્લેનાએ પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે લોકસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ તે જીતી શક્યા ન હતા. 2020ની વિધાનસભા ચૂંટણીમાં કાલકાજીએ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા. આતિશીએ કેજરીવાલ સરકારની શિક્ષણ નીતિ તૈયાર કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.


Manish Sisodia : મનીષ સિસોદિયાને સુપ્રીમે જામીન તો ના આપ્યા પણ ઘઘલાવતા કહ્યું -"તમે..."


Manish Sisodia Bail Hearing: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જોરદાર આંચકો આપ્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન માંગવા ગયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે બરાબરની ઝાટકણી તો કાઢી જ હતી સાથો સાથ જામીન પણ નામંજુર કર્યા હતાં. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી. 


દેશની વડી અદાલતે આ મામલાની સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો અને જામીન માંગવા સિસોદિયાને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. AAP નેતા મનીષ સિસોદિયા હાલ CBI કસ્ટડીમાં છે.


સીજેઆઈએ કહ્યું હતું કે, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન અને અન્ય રાહતની માંગ કરી રહ્યા છો. તમે અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆનો કેસ ટાંક્યો પણ તે કેસ આનાથી સાવ અલગ જ હતો. તમારે જામીન લેવા નીચલી કોર્ટમાં જવું જોઈએ. FIR રદ કરાવવા પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ.