આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટના પ્રથમ દિવસે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા, એબીપી નેટવર્કના સીઈઓ અવિનાશ પાંડેએ કહ્યું કે, દેશના શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓને આમંત્રિત કરવા માટે આનાથી વધુ સારું વર્ષ ન હોઈ શકે. આ ભારતની આઝાદીનું 75મું વર્ષ છે અને એબીપી ગ્રુપની 100મી વર્ષગાંઠ છે.
એબીપી નેટવર્કના સીઈઓ અવિનાશ પાંડેએ કહ્યું કે, પાછળ જોવાની અને આગળ વધવાની આ શ્રેષ્ઠ તક છે. આ એ વર્ષ છે, જ્યારે આપણે કોરોનાની ત્રીજી લહેર જોઈ, ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી સાંભળી અને ભારતમાં 5 રાજ્યોની ચૂંટણીઓ પણ જોઈ. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકના વર્ચસ્વમાં ઘટાડો થતો જોયો, ચીનની અર્થવ્યવસ્થામાં તેજી આવી. જ્યારે રશિયાના ખતરનાક સપના પણ દુનિયા જોઈ રહી છે. આ સાથે જ દુનિયાના અમીર લોકો સ્પેસ(અવકાશ)ની સ્પર્ધામાં લાગેલા છે.
તેમણે કહ્યું કે, ABP નેટવર્ક પર, અમે ભારત જે માને છે તેના પર વિશ્વાસ કરીએ છીએ, જે યોગ્ય વાતચીત અને દલીલોનું આદાનપ્રદાન છે. અમે આંકડાઓમાં વિશ્વાસ રાખીએ છીએ, પરંતુ યોગ્ય પગલાં ભરવાં અમારી જવાબદારી છે.
CEO અવિનાશ પાંડેએ કહ્યું કે, અમે માત્ર TRP પર જ નથી ચાલતા પરંતુ લોકોના દિલને પણ સ્પર્શીએ છીએ. અમે પ્રેક્ષકોને માપતા નથી પરંતુ તેમની પ્રશંસા કરીએ છીએ. અમે જાણીએ છીએ કે, સમાચાર જીવન બદલી શકે છે પરંતુ અમારી ટેગલાઇન એ છે કે, અમને એવો સમાજ જોઈએ છે જે જાગૃત અને માહિતગાર હોય. અમે તંદુરસ્ત સ્પર્ધામાં માનીએ છીએ, સમાચારને બિનજરૂરી રીતે ફેન્સી બનાવવામાં નથી માનતા. અમે તથ્યો સાથે સત્ય બતાવીએ છીએ.
તેમણે કહ્યું કે, આગામી બે દિવસમાં આ આઈડિયા ઓફ ઈન્ડિયા સમિટમાં આપણે પાંચ મહત્વની ચર્ચાઓ જોઈશું, જેમાં પ્રથમ છે રાષ્ટ્રવાદ અને વૈશ્વિકતા. અત્યાર સુધીમાં આપણે બધા માનતા હતા કે, ઈન્ટરનેશનલિઝમ સમાપ્ત થઈ ગયું છે. હું કૉલેજમાં હતો ત્યારે કહેવાતું હતું કે, રાષ્ટ્રવાદ ખતમ થઈ ગયો છે અને હવે આંતરરાષ્ટ્રીવાદનો યુગ છે. પરંતુ હવે રાષ્ટ્રવાદે પોતાની જાતને ફરીથી ઉભી કરી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું મેક અમેરિકા ગ્રેટ અગેઈન હોય કે બોરિસ જોન્સનનું બ્રેક્ઝિટ.
પરંતુ પછી કોવિડ-19 આવ્યો અને તેણે આપણને શીખવ્યું કે, આપણે બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ. જ્યારે આપણે સરહદોની બહાર જોઈશું ત્યારે જ આપણે સમસ્યાઓનો ઉકેલ લાવી શકીશું, પછી ભલે તે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સંબંધિત હોય, ક્લાઈમેટ ચેન્જથી સંબંધિત હોય કે પછી આર્થિક અસમાનતા સાથે સંબંધિત હોય.
આ સમિટમાં બીજી મોટી ચર્ચા જે થશે તે એલ્ગોરિધમ્સ અને ભાવનાત્મક બુદ્ધિ (ઈમોશનલ ઈન્ટેલિજન્સ)ની છે. ભારતીયો માને છે કે દુનિયાને સમજવા માટે પહેલા પોતાની જાતને સમજવી જરૂરી છે. ત્રીજી ચર્ચા ટકાઉ વિકાસ પર હશે, જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
વિશ્વમાં જે ચોથી મોટી ચર્ચા ચાલી રહી છે તે છે, ડિજિટલ તાનાશાહી vs ડિજિટલ લોકશાહી. ભારતમાં અત્યાર સુધી તમામ લોકોને ઈન્ટરનેટની નથી મળી. એક અંદાજ મુજબ આ વર્ષે 658 મિલિયન ઈન્ટરનેટ વપરાશકર્તાઓ હશે, જે સમગ્ર વસ્તીના 47 ટકા છે. મતલબ કે ભારતની અડધી વસ્તી હજુ પણ ઈન્ટરનેટની પહોંચથી દૂર છે.
આ સમિટમાં છેલ્લી ચર્ચા ભારતના ઈતિહાસ પર થશે. જે લોકો આજે અહીં હાજર છે તેમના જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. આ પેઢીએ ઘણું જોયું છે. 1983 સુધી આપણી પાસે મોબાઈલ ફોન નહોતો. 1995 સુધી ગૂગલ નહોતું. 1996માં ફેસબુક આવ્યું અને 2004માં જ્યારે દુનિયામાં ફેસબુકનો ઉપયોગ થવા લાગ્યો ત્યારે દુનિયા બદલાવા લાગી. જો શોધોથી આપણે ઝડપી પ્રગતિ થતી જોઈ, તો આ શોધોથી વિનાશ થતાં પણ આપણે જોયો છે.
અવિનાશ પાંડેએ વધુમાં કહ્યું, આપણને વધુ જોઈએ છે પરંતુ ઓછા સાથે કેવી રીતે જીવવું તે પણ જાણીએ છીએ. આપણી પાસે વિશ્વના શ્રેષ્ઠ લોકો છે જેમના મન કોમળ છે. આપણે વૈશ્વિક સમુદાયમાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ આપણને ભારતની વિવિધતામાં પણ વિશ્વાસ રાખીએ છીએ. આપણને શાંતિ ગમે છે પરંતુ જો આપણી જાતને બચાવવાની વાત આવે તો આપણે યુદ્ધ પણ લડી શકીએ છીએ. આ બધી બાબતો એબીપી ગ્રુપની ખૂબ નજીક છે અને તેનું પ્રતિનિધિત્વ કરવામાં મને ખૂબ જ આનંદ થાય છે. હું ઈચ્છું છું કે જે લોકો અહીં હાજર છે તેઓ ભારત વિશે પોતાનો અભિપ્રાય જરુરથી આપે.