લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રસ્તાના કિનારે ડ્રાય પ્રૂટ્સ વેચી રહેલ એક કાશ્મીરી યુવકની સાથે મારપીટની ઘટના સામે આવી છે. કાશ્મીરી યુવકોને મારી રહેલ લોકો કોઈ હિન્દૂવાદી સંગઠન સાથે જોડાયેલ હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવા રંગનો કુર્તા પહેરેલ કેટલાક લોકો એક કાશ્મીરી યુવકને ગાળ આપતા તેને ડંડાથી માર મારતા જોવા મળી રહ્યા છે. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ પણ કરી છે. આ ઉપરાંત પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.



દક્ષિણપંથી સંગઠન સાથે જોડાયેલા લોકોએ જે બે કાશ્મીરીઓ સાથે મારપીટ કરી છે તે લોકો ઘણા વર્ષોથી લખનઉમાં ડ્રાઈફ્રુટ્સ વેચતા હતા. મહત્વનું છે કે પુલવામા હુમલા બાદ દેશનાં ઘણા ખૂણાઓમાંથી કાશ્મીરીઓ પર હુમલા કરવાનાં સમાચાર સામે આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી ગૃહમંત્રાલયે કાશ્મીરીઓને સુરક્ષિત કરવા માટે તમામ રાજ્યોને કડક આદેશ આપ્યા હતા.

સ્થાનિક લોકોએ આરોપી પાસેથી બન્ને કાશ્મીરી યુવકોને છોડાવ્યા હતા. ત્યારબાદ પોલીસ પર ઘટના સ્થળે પહોંચી અને આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે.