લખનઉઃ અયોધ્યા આંદોલન દરમિયાન બીજેપીને રોકવા માટે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે હાથ મિલાવ્યા હતા. જેના 26 વર્ષ બાદ ફરી એકવખત મુલાયમ સિંહના દીકરા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી ફરી એક વખત સાથે આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી અને તે બાદ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બંને પક્ષોએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે ફરી ગઠબંધન કર્યું છે. અખિલેશ અને માયાવતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે, સપા-બસપાની આ પ્રેસ કોન્ફરન્સ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંનેની ઉંઘ ઉડાવવા માટે થઈ રહી છે. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલી જઈ અમે દેશહિતમાં એક થવાનો ફેંસલો લીધો. બસપા અને સપા ગઠબંધનમાં ચૂંટણી લડે તો કેન્દ્રમાં બીજેપીને સત્તામાં આવતી રોકી શકાય છે. આગામી લોકસભા અમે ગઠબંધનમાં લડવાનો નિર્ણય લીધો છે. જે દેશમાં નવી રાજકીય ક્રાંતિનું નેતૃત્વ કરશે.

એસપી-બીએસપી ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહીં કરવા પર માયાવતીએ કહ્યું, કોંગ્રેસ લાંબા સમય સુધી દેશમાં સત્તામાં નહીં રહે. તેમના કાર્યકાળમાં વધી ગરીબી, ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસે દેશમાં કટોકટી લગાવી. એસપીનો કોંગ્રેસ સાથે કડવો અનુભવ રહ્યો હતો અને ગઠબંધન કરવાથી કોઈ ફાયદો થયો નહોતો. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર નહીં ઉતારવામાં આવે.

માયાવતીએ લોકસભા ચૂંટણીમાં સીટની ફાળવણી અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, યુપીમાં લોકસભાની 80 સીટો પૈકી બીએસપી અને એસપી 38-38 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે 2 સીટ છોડવામાં આવી છે. અન્ય નાના પક્ષોને બે સીટ આપવામાં આવશે.

લોકસભા ચૂંટણી લડવા અંગે માયાવતીએ કહ્યું કે, આ અંગે તમને પછીથી જણાવીશ. સપા-બસપાનું ગઠબંધન સ્થાયી હોવાનું તેણે ઉમેર્યું કે, માત્ર 2019 જ નહીં 2022ની ચૂંટણી પણ અમે સાથે લડીશું. જે બાદ પણ અમે સાથે ચૂંટણી લડીશું.

અખિલેશ યાદવે કહ્યું કે,  ભાજપના અહંકારનો વિનાશ કરવા ગઠબંધનની જરૂર હતી. માયાવતીનું અપમાન મારું અપમાન છે.  ભાજપ ભગવાનને પણ જાતિમાં વહેંચવાનું કામ કરી રહ્યું છે. કેન્દ્રની ખોટી નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપીએ ઉત્તર પ્રદેશને જાતિ પ્રદેશ બનાવ્યું.

બસપા સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાના સવાલ પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશા હંમેશા વડાપ્રધાન આપ્યા છે. હું ઈચ્છીશ કે આવ ખતે પણ યુપીથી વડાપ્રધાન આવે.