નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટીએ દિલ્હી બહારથી પોતાનો વિસ્તાર કરવાની યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ પાર્ટીએ દેશભરમાં લોકલ બોડી ઇલેક્શન લડવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે, પાર્ટીએ પોતાના સકારાત્મક રાષ્ટ્રવાદનો અંદાજ લગાવીને પાર્ટીનો વિસ્તાર કરવા માટે રવિવારે પોતાના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.


રાયે કહ્યું કે, પાર્ટીએ પ્રથમ તબક્કામાં પંજાબ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડવા પર ધ્યાન કેન્દ્રિય કર્યું છે. તેમણે કહ્યું કે, આગામી રવિવારે બેઠકમાં અમારો એજન્ડા રાષ્ટ્રીય સ્તર પર મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને દેશભરમાં પાર્ટી કેડરનું નિર્માણ કરી સંગઠનનો વિસ્તાર કરવાની યોજના બનાવવા પર છે.

રાયે કહ્યુ કે, ભાજપનો રાષ્ટ્રવાદ નકારાત્મક છે. આમ આદમી પાર્ટી સકારાત્મક રાષ્ટ્રવાદના સહારે પોતાના આધારનો વિસ્તાર કરશે. લોકો આપના રાષ્ટ્ર નિર્માણ અભિયાનમાં એક ફોન નંબર પર મિસ કોલ કરીને સામેલ થઇ શકશે. અમે મોટી સંખ્યામાં સ્વયંસેવકો બનાવીશું. પાર્ટી આખા દેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. આપ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે.