પાંચ રાજ્યોની વિધાનસભામાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ જારી છે. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ હવે ખુલીને પોતાની વાત રાખી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના શિર્ષ નેતૃત્વ પર સીધો હુમલો કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે જી-23 નેતાઓમાં સામેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. બન્ને વચ્ચે અનેક મુદ્દાઓ પર લાંબી ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ આઝાદે કહ્યું કે, સોનિયાજીને કેટલીક ભલામણો કરી છે. તેમણે આગળ કહ્યું કે આ એક રૂટિન મુલાકાત છે. મીડિયા માટે આ ન્યૂઝ હોઈ શકે છે, પરંતુ અમે પાર્ટી અધ્યક્ષ સાથે આ રીતે મુલાકાત કરતા રહેતા હોઈએ છીએ. તેમણે કહ્યું કે અમે પાર્ટીને વધુ મતબૂત કરવા માટે કામ કરીશું.
જી-23 બેઠક બાદ બન્ને નેતા વચ્ચે મુલાકાત
હકિકતમાં વિધાનસભામાં મળેલી હાર બાદ જી-23 નેતાઓની બેઠક મળી હતી, જેમા કેન્દ્રીય નેતૃત્વને કેટલીક શિખામણ આપવામાં આવી હતી. ત્યાર બાદ એવું જણાવવામાં આવ્યું હતું કે આઝાદ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. જેમા તેઓ આ બેઠકની જાણકારી અને નેતાઓની નારાજગી અંગે સોનિયા ગાંધીને અવગત કરાવશે. જો કે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી નારાજ નેતાઓને મનાવવાની પણ કોશીશ કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી પોતે નારાજ નેતાઓ સાથે વાત કરીને વિવાદનો અંત લાવવા માગે છે.
રાહુલ ગાંધીને મળ્યા હુડ્ડા
આ પહેલા નારાજ નેતાઓમાં સામેલ અને જી-23ના નેતા ગણાતા ભૂપેન્દર હુડ્ડાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે તેમણે પાર્ટીમાં બદલાવ અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી. આ ઉપરાંત કઈ વાતને લઈને નેતાઓ નારાજ છે તે પણ કહ્યું. જો કે આ મુલાકાત અંગે હરિયાણાના પૂર્વ સીએમએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટથી વિરોધી ખુશ થઈ રહ્યા છે. બીજેપી સતત કોંગ્રેસને આ અંગે ટોન્ટ મારતી રહે છે.
જી-23ની બેઠકમાં શું થયું હતું?
તમને જણાવી દઈએ કે, 16 માર્ચના રોજ ગુલામ નબી આઝાદના ઘરે ડિનરના બહાને એક બેઠક મળી હતી. તેમા જી-20 જૂથના 18 નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં સીધા પાર્ટી નેતૃત્વ સામે સવાલો કરવામાં આવ્યા હતા. નારાજ નેતાઓએ કહ્યું કે, આ સમયે કોંગ્રેસનું મજબૂત હોવુ જરૂરી છે. સાથે એમ પણ કહ્યું કે 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસે અન્ય પક્ષો સાથે વાત કરવી જોઈએ. સાથે આ બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે જ્યારે હારવાળા રાજ્યોના અધ્યક્ષો પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા ત્યારે ત્યાંના ઈન્ચાર્જ અને મહાસચિવોના રાજીનામા કેમ લેવામાં ન આવ્યા. એટલે કે તેઓનું સીધુ નિશાન પ્રિયંકા ગાંધી હતા, કેમ કે યૂપી ચૂંટણીની તમામ જવાબદારી તેમના પર હતી.