Telangana Agnipath Protest: કેન્દ્ર સરકારની નવી સૈન્ય ભરતી યોજના 'અગ્નિપથ'ને લઈને દેશભરના યુવાનોમાં ગુસ્સો હતો. આ અંગે દેશભરના યુવાનોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ ઘણી જગ્યાએ આ વિરોધ હિંસામાં ફેરવાઈ ગયો હતો. દરમિયાન 'અગ્નિપથ'ના વિરોધના નામે 17મી જૂને તેલંગણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસા અને આગચંપીનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ સતત તપાસ કરી રહી હતી અને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, તેલંગણામાં મહેશ નામના એક છોકરાએ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસક અગ્નિપથ વિરોધ આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેને સિકંદરાબાદ રેલ્વે પોલીસે તપાસ માટે 3 ઓગસ્ટના રોજ બોલાવ્યો હતો જેના કારણે તે ગયો હતો પરંતુ 9 ઓગસ્ટે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
ધરપકડના ડરથી આત્મહત્યા
પોલીસનું કહેવું છે કે મહેશે તેના ભાઈને મેસેજ કરીને આત્મહત્યાના નિર્ણયની જાણ કરી હતી. તેનો પરિવાર સતત તેને શોધી રહ્યો હતો. મહેશના માતા-પિતાએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે મહેશ સ્પર્ધાત્મક પરીક્ષા અને આર્મી ભરતીની તૈયારી કરી રહ્યો હતો. પોલીસ તપાસ અને ધરપકડના ડરથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
દરમિયાન પોલીસે પણ આ મામલે કેસ નોંધ્યો છે અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. મહેશના પિતા વેંકટેશે તેઓની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે લૂંટ થઈ રહી હતી ત્યારે મહેશ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હાજર હતો અને મહેશને ડર હતો કે કદાચ તેની ધરપકડ થઇ શકે છે.