નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મિશેલને મંગળવારે રાત્રે દુબઇથી ભારત લાવવામાં આવ્યો હતો અને બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કૉર્ટે મિશેલને પાંચ દિવસના રિમાંડ પર મોકલવાનો આદેશ આપ્યો. મિશેલના વકિલે કોર્ટે પાસે જ્યૂડિસિયલ કસ્ટડીની માંગ કરી હતી જ્યારે CBIના વકિલે રિમાંડની માંગ કરી. કોર્ટે CBI વકિલની દલીલ માનીને મિશેલને રિમાંડમાં મોકલ્યો છે.
ક્રિશ્ચિયન મિશેલ 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલમાં કથિત વચેટીયા છે. ઉલ્લેખનીય છે કે અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ યૂપીએ સરકારમાં થયો હતો. 2010માં ભારતીય વાયુસેના માટે 12 VVIP હેલિકોપ્ટર ખરીદવા માટે એંગ્લો-ઈટાલિયન કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ અને ભારત સરકાર વચ્ચે કરાર થયા હતા. આ કરારમાં લાંચ લેવાઈ હોવાની શંકા થવાથી UPA સરકારે જ જાન્યુઆરી 2014માં કરાર રદ કર્યાં હતા અને ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટ કરી દીધી હતી.