નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન રદ્દ થયેલી વિમાન સેવાઓની ટિકીટના પૂરા પૈસા પરત કરવાની માંગનો એરલાઈન્સ કંપનીઓએ વિરોધ કર્યો છે. તેમણે પોતાની ખરાબ પરિસ્થિતિનો હવાલો આપી આ પૈસાને ક્રેડિટ શેલમાં નાખવા યોગ્ય ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટે સરકારને એરલાઈન્સ કંપનીઓ સાથે મળી આ પ્રશ્નને હલ કરવા જણાવ્યું છે.


28 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આ મામલા પર નોટિસ જાહેર કરી હતી. કોર્ટમાં દાખલ અરજીમાં જણાવાયું હતું કે સરકારે એરલાઈન્સ કંપનીઓને માત્ર લોકડાઉન બાદ બુક કરવામાં આવેલી ટિકીટના પૂરા પૈસા પરત કરવાનો આદેશ કર્યો છે. આ પૈસા સીધા પરત નથી કરવામાં આવતા તેને ક્રેડિટ શેલમાં નાખવામાં આવે છે.

પ્રવાસી લીગલ સેલ નામની સંસ્થાની તરફથી દાખલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે DGCA તરફથી 2008માં નક્કી નિયમો મુજબ આ મુસાફરો પર નિર્ભર કરે છે કે તેઓ પોતાના પૈસા પરત લેવા માંગે છે કે ક્રેડિટ શેલમાં નાખવા માંગે છે. વિમાન કંપનીઓ આ રીતે મનમાની ન કરી શકે. પરંતુ તેઓ નિયમોની વિરુદ્ધમાં આવું કરી રહી છે અને સરકારે આંખો બંધ કરી રાખી છે.

આજે ઘણી એરલાઈન્સ કંપનીઓએ અરજીમાં પક્ષ બનાવવાની માંગ કરી છે. કોર્ટે તેનો સ્વીકાર કર્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે ભારે નુકશાનને ધ્યાનમાં રાખતા પૈસાને ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ક્રેડિટ શેલમાં રાખવાની મંજૂરી મળવી જોઈએ. આ મામલે વધુ સુનાવણી 3 સપ્તાહ બાદ થશે.