નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થનાર છે. કેંદ્ર સરકાર આ સત્રમાં વસ્તુ અને સેવાકર (જીએસટી) બિલ પાસ કરાવવા માટે આશાવાદી વલણ અપનાવતી નજરે પડી રહી છે. બધાંની નજર રવિવારે મળનારી સર્વપક્ષીય બેઠક પર મંડરાઈ રહી છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ચૂકી છે.


અગાઉ કેંદ્રીય નાંણા મંત્રી અરૂણ જેટલી ગુરુવારે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને ઉપનેતા આનંદ શર્મા સાથે મુલાકાત પછી સરકાર જીએસટી બિલ મુદ્દે આશાવાદી બની છે. ખાસકરીને રાજ્યસભામાં કોંગ્રેસ આ બિલને રોકવામાં સફળ રહી છે. જો કે કોંગ્રેસ તરફથી અત્યાર સુધી આ બિલ વિશે કંઈ પણ કહેવામાં આવ્યું નથી. સરકાર તરફથી કહેવું છે કે આઝાદ અને શર્મા સાથે તેમની વાતચીત સારી રહી છે.

બીજી બાજુ, ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી જીએસટી બિલ સહિત ઘણા મુદ્દા પર પોતાની રણનીતિ તૈયાર કરવા માટે ચર્ચા કરી હતી.