કોલકત્તાઃ ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ અમિત શાહ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રીએ સૌરવના ઘરે ડિનર પણ લીધું હતું. મળતી માહિતી મુજબ, અમિત શાહની સાથે સુવેન્દુ અધિકારી અને બીજેપીના અન્ય નેતાઓ પણ ગાંગુલીના ઘરે પહોંચ્યા હતા. આ મીટિંગની તસવીરોની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
તાજેતરમાં યુનેસ્કોએ દુર્ગા પૂજાને તેની 'ગ્લોબલ હેરિટેજ'ની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. જેના સંદર્ભમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ક્રિકેટર અને હવે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની પત્ની ડોના ગાંગુલીએ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું.
દેશની રાજનીતિમાં આ કાર્યક્રમને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના સીએમને આમંત્રણ આપવામાં ના આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સાથે તેને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.