નવી દિલ્હીઃ મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સારવારમાં સંકળાયેલા ડોક્ટરો-નર્સો અને પેરામેડિકલ સ્ટાફના ભાડાના મકાન ખાલી કરાવનારા મકાનમાલિકોની હવે ખેર નથી. કેન્દ્ર સરકારે જિલ્લા અધિકારીઓને આવા મકાનમાલિકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. એઈમ્સ ડોક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગી છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સ્વાસ્થ્યકર્મીઓને મદદનું આશ્વાસન આપ્યું છે.


થોડા દિવસોથી દિલ્હી એઇમ્સમાં કામ કરતાં કેટલાક ડોકટર્સ ભેદભાવની ફરિયાદ કરતા હતા. જેને લઈ તેમણે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી. જેને ગંભીરતાથી લેતા સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં કહામાં આવ્યું કે, મકાન માલિકોનો આવો વ્યવહાર ન માત્ર મહામારી સામે લડવાની ગતિને ધીમી કરી શકે છે, પરંતુ જરૂરી સેવાઓમાં સંકળાયેલા લોકોને પરેશાન કરે છે. સરકારે આવા મકાન માલિકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નરને ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને તેના પરિવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. શાહે કહ્યું, જ્યારે દેશ વાયરસ રોકવાની કોશિશ કરી રહ્યું છે તેવી સ્થિતિમાં મહત્વની ભૂમિકા નીભવનારા ડોકટરો તથા અન્ય ચિકિત્સાકર્મી સાથે દુર્વ્યવહારને સાંખી ન લેવાય.