નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી હતી. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે.

રાજ્યમાં ભાજપ, શિવસેના, એનસીપી, કોંગ્રેસ એમ કોઇપણ પક્ષ સરકાર રચી શક્યા નથી. જે બાદ આજે ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે આ મુદ્દે વાત કરી હતી. શાહે કહ્યું, આ પહેલા કોઇપણ રાજ્યમાં સરકાર બનાવવા માટે 18 દિવસનો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે પક્ષોને વિધાનસભા કાર્યકાળ પૂરો  થયા બાદ આમંત્રણ આપ્યું હતું. શિવસેના, કોંગ્રેસ, એનસીપી કે અમે કોઈએ દાવો કર્યો નહોતો.


શાહે શિવસેના સાથે ગઠબંધન તૂટવા મુદ્દે કહ્યું કે, ચૂંટણી પહેલા પીએમ અને હું ઘણી વખત કહી ચુક્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ હશે. તે સમયે કોઇએ વાંધો ઉઠાવ્યો નહોતો. હવે તેઓ નવી ડિમાન્ડ સાથે આવ્યા છે, જે હવે અમે સ્વીકારી શકીએ તેમ નથી.


ગૃહમંત્રીએ કહ્યું, રાજ્યપાલે યોગ્ય પગલું ભર્યું છે. આજે જેની પાસે બહુમત છે તેઓ રાજ્યપાલ પાસે જઈ શકે છે. બધા પાસે સમય છે અને કોઈપણ જઈ શકે છે. રાષ્ટ્રપતિ શાસનથી માત્ર ભાજપને જ નુકસાન થયું છે. શિવસેનાની શરતો અમને મંજૂર નથી.


અમે રાજ્યમાં ફરી ચૂંટણી થાય તેમ નથી ઈચ્છતા. અમિત શાહે કહ્યું કે, કપિલ સિબ્બલ જેવા વકીલ આરોપ લગાવે છે કે તેમની પાસેથી મોકો છીનવી લેવામાં આવ્યો. જે ખોટી વાત છે. અમે સૌથી મોટી પાર્ટી છીએ. અમે એકલા સરકાર બનાવી શકતા નહોતો તેથી અમે ના પાડી દીધી હતી.