નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ધાર્મિક ડેરાના કાર્યક્રમ દરમિયાન ગ્રેનેડ હુમલાને લઇને આતંકી એન્ગલની વાત સામે આવી રહી છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ સંભાવનાને ફગાવી નથી. આ મામલામાં એનઆઇએની ત્રણ સભ્યોની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે. નોંધનીય છે કે અમૃતસરના એક ગામમાં નિરંકારી ભવન પર થયેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે, આઇએસઆઇ સમર્થિત ખાલિસ્તાની અથવા કાશ્મીર જૂથ આ હુમલામાં સામેલ હોવાની સંભાવનાનો ઇનકાર કરી શકાય નહીં. પોલીસ સતત શંકાસ્પદોના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે. આ સાથે આ મામલાને ઉકેલવા માટે અનેક ટીમો અલગ અલગ એન્ગલથી કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી.

અમરિંદરે ટ્વિટમાં જણાવ્યું કે, અમૃતસરમાં થયેલા વિસ્ફોટને જોતા હું પંજાબના લોકોને શાંતિ રાખવાની અપીલ કરું છું. કોઇને ગભરાવાની જરૂર નથી. અમે શાંતિને આતંકી શક્તિઓના હાથથી બરબાદ થવા દઇશું નહીં. સાથે મુખ્યમંત્રીએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી અને સાથે ઇજાગ્રસ્તોને મફતમાં સારવાર આપવાની પણ જાહેરાત કરાઇ હતી.