શ્રીનગર: પાકિસ્તાનની નાપાક હરકત યથાવત છે. રવિવારે એકવાર ફરી પાકિસ્તાને પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની રેજર્સની ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. એક અધિકારીએ જણાવ્યું કે “પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આવેલી ચોકીઓ અને ગામોમાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર છોડવામાં આવ્યા હતા અને નાના હથિયારો દ્વારા ગોળીબાર પણ કર્યો હતો.


પાકિસ્તાન દ્વારા આ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલા જ સેનાના વડા બિપિન રાવતે પુંછ અને રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર જવાનો સાથે મુલાકાત કરી હતી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

જમ્મુ સ્થિત સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે, “રવિવારે બપોરે પાકિસ્તાને પુંછ સેક્ટરમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર છોડ્યા હતા. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો. ગોળીબાર હજું પણ ચાલું છે.”