શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. પૂંછ જિલ્લાના મેંધર સબ ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં પડી ગયું છે. આ ઘટનામાં ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. 


અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના મેંઢર વિસ્તારના બાલનોઈ વિસ્તારમાં સેનાનું એક વાહન રસ્તો ભટકી ખીણમાં પડી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘણા જવાનો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. ઘાયલ જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 


વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું


જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં 8 જવાન હતા જેઓ ઘાયલ થયા હતા. નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલા 11 MLIનું લશ્કરી વાહન ગોરા પોસ્ટ પર પહોંચતા જ અકસ્માતનો ભોગ બન્યું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. માહિતી મળતાની સાથે જ 11 MLI ની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.


ગયા મહિને આવી જ એક દુર્ઘટનામાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના એક જવાન શહીદ થયા હતા અને અન્ય એક ઘાયલ થયા હતા. આ અકસ્માત 4 નવેમ્બરે કાલાકોટના બડોગ ગામ પાસે થયો હતો, જેમાં નાઈક બદરી લાલ અને કોન્સ્ટેબલ જય પ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.