નવી દિલ્હીઃ આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકાર કાશ્મીર ઘાટીમાં વર્ષોથી બંધ પડેલા 50 હજાર મંદિરો ખોલવા માટે સર્વે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ એવા મંદિર છે જે ખંડિત છે અથવા તો તેમની મૂર્તિઓ તોડી પાડવામાં આવી છે. ઘાટીમાં બંધ પડેલી સ્કૂલોને ખોલવા માટે પણ સર્વે કરાવવામાં આવશે.

આ સાથે જ તેમણે કહ્યું કે સરકાર આતંક પર કાર્યવાહી કરી રહી છે. કિશન રેડ્ડીએ કહ્યું કે, કાશ્મીરમાંથી આતંકવાદનો ખત્મ કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ અમેરિકાના હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી.આ દરમિયાન ત્યાં કાશ્મીરી સંગઠનના પ્રતિનિધિ સુરેન્દ્ર કૌલ ભાવુક થઇ ગયા હતા.

નોંધનીય છે કે મોદી સરકારે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લીધું છે. આર્ટિકલ 370 હટાવ્યાની સાથે જ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવામાં આવ્યું છે. હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ છે. વડાપ્રધાન મોદીએ આર્ટિકલ 370 હટાવ્યા બાદ કહ્યુ હતું કે, આ એક ઐતિહાસિક ભૂલ સુધાર છે અને તેનાથી કાશ્મીર અને લદ્દાખનો વિકાસ થશે.