મોબાઇલ એપથી થશે 2021માં થનારી દેશની વસ્તીગણતરી, 12000 કરોડનો થશે ખર્ચ
abpasmita.in | 23 Sep 2019 04:37 PM (IST)
વસ્તીગણતરી દેશના ભવિષ્યની વિકાસ યોજના બનાવવા માટે આધાર હોય છે. આ માટે જનભાગીદારીની જરૂર છે
નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નવી દિલ્હીમાં વસ્તીગણતરીની આધારશીલા રાખી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, વસ્તીગણતરીની આખી બિલ્ડિંગ ગ્રીન હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટને અપનાવવાની જરૂર છે. નવી વસ્તીગણતરી આ બિલ્ડિંગના માધ્યમથી કરવામાં આવશે. શાહે કહ્યું કે, વસ્તીગણતરી દેશના ભવિષ્યની વિકાસ યોજના બનાવવા માટે આધાર હોય છે. આ માટે જનભાગીદારીની જરૂર છે. 1865થી અત્યાર સુધીમાં 16મી વસ્તીગણતરી થવા જઇ રહી છે. તેમણે કહ્યું કે, અનેક ફેરફાર અને નવી પદ્ધતિ બાદ આજે વસ્તીગણતરી ડિઝિટલ થવા જઇ રહી છે. અમિત શાહે કહ્યું કે, 2021માં જે વસ્તીગણતરી થશે તેમાં મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડિઝિટલ રીતે આંકડાઓ ઉપલબ્ધ હશે. જેટલી બારીકાઇથી વસ્તીગણતરી થશે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં એટલી મદદ મળશે. 2014માં મોદી સરકાર આવી તો આપણી વિચારવાની ક્ષમતામાં ફેરફાર આવ્યો. ત્યારથી વસ્તીગણતરીના રજિસ્ટરનો યોગ્ય ઉપયોગ કરવાની શરૂઆત થઇ. તેનું સૌથી મોટું ઉદાહરણ ઉજ્જવલા યોજના છે. આ મારફતે જાણવા મળ્યું કે, અનેક ક્ષેત્ર એવા છે જ્યાં 93 ટકા લોકો પાસે ગેસ નથી. ડિઝિટલ રીતે જ્યારે કામ કર્યું તો લોકોને ગેસ સિલિન્ડર યોગ્ય રીતે મળવા લાગ્યા. વસ્તીગણતરીને સંપૂર્ણ બનાવવા માટે 16 ભાષાઓમાં કરવામાં આવશે જેનાથી લોકો પોતાની જાણકારી યોગ્ય રીતે આપી શકે. શાહે કહ્યુ કે, 2011ની વસ્તીગણતરીથી જાણવા મળ્યુ હતું કે, ભારત બહુભાષી દેશ છે અને અહીં 270 બોલીઓ બોલાય છે. 2011ની વસ્તીગણતરીના આંકડાઓનો ઉપયોગ ઉજ્જવલા યોજનામાં કરવામાં આવ્યો અને આઠ કરોડ પરિવારને સિલિન્ડર આપવામાં આવ્યા. આઝાદીના 75મી વર્ષગાંઠ પર 2022માં એક પણ ઘર એવું નહી હોય જેના ઘરમાં ગેસ સિલિન્ડર નહી હોય.