નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. જોકે આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધાના સમાચાર મળતાં ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા હતા. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ભાજપના મહિલા નેતા સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા હતાં.


જેટલી વ્યવસાયે વકીલ હતા અને તે ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો મહત્વનો હિસ્સો હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે. જીએસટી અને નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે તેઓ નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા હતા.


2000 થી 2018 સુધી જેટલી સતત ત્રણ કાર્યકાળ માટે ગુજરાતમાં રાજ્યસભા સાંસદ તરીકે ચુંટાયા હતા.  2002ના ગુજરાત રમખાણોને લઈ મોદીએ જે કાનૂની પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેમાં જેટલી સંકટ મોચક બનીને દરેક અડચણો દૂર કરતા હતા. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને બાદમાં દિલ્હી ગયા ત્યાં સુધીની સફરમાં જેટલી ખાસ બની ગયા હતા.

2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો તે પ્રક્રિયાના રિંગ માસ્ટર જેટલી હતા. જેટલીએ મોદીને નેતા જાહેર કરવા માટે રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણને રાજી કરવામાં રાત-દિવસ એક કર્યા હતા.


નોંધનીય છે કે નાદુરસ્ત તબિયતના કારણે જેટલીએ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તેઓ ડાયાબિટિસની પીડિત હતા. વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.

લાંબી બિમારી બાદ મોદી સરકારના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ લીધા અંતિમ શ્વાસ