નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. તેની વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સ મારફતે વાતચીત કરી હતી. તેના બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ પીએમનો હવાલો આપી લોકડાઉનને લઈને ટ્વિટ કરતા હલચલ મચી ગઈ હતી. જો કે બાદમાં ટ્વિટ હટાવી દીધું હતું.


સીએમ પેમા ખાંડુએ ટ્વિટ કર્યું હતું કે, લોકડાઉન 15 એપ્રિલે પુરુ થઈ જશે પણ તેનો મતલબ ફ્રી મૂવમેન્ટ નથી. લોકડાઉન 14 એપ્રિલે ખતમ થઈ જશે પરંતુ તેનો મતલબ એ નથી કે લોકોને કામવગર રસ્તા પર ફરવા દેવામાં આવશે. કોરોના વાયરસની અર ઓછી કરવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી પડશે. આ ટ્વિટ બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે હવે લોકડાઉન 14 એપ્રિલ બાદ વધારવામાં આવશે નહીં.



જો કે, લોકોમાં ટ્વિટથી લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે એમ કરી બાદમાં ટ્વિટ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. પેમા ખાંડુએ આ ટ્વિટ હટાવી દીધા બાદ એક ટ્વિટી કરીને સ્પષ્ટતા પણ કરી હતી કે, લોકડાઉનને લઈને અગાઉ કરાયેલુ ટ્વિટ એક અધિકારીએ કર્યુ હતુ. જેમની હિન્દીની સમજ ઓછી છે. આ ટ્વિટને હટાવી દેવાયું છે. સૂત્રોનું માનીએ તો, લોકડાઉન ખતમ કરવા પર કોઈ પણ અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી જ સ્થિતિની સમીક્ષા કરીને કરશે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1958 લોકો તેની ઝપેટમાં આવી ગયા છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે મોતનો આંકડો 52 પર પહોંચી ગયો છે.

તમામ CMને PM મોદીએ કહ્યુ- કોરોના વાયરસ સામે એક સાથે લડીશું.