Assam Teachers New Dress Code: આસામ સરકારે શાળાના શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. શિક્ષકો માટે ડ્રેસના નિયમો નક્કી કરતી વખતે સરકારે કહ્યું કે કેટલાક શિક્ષકોને એવા કપડાં પહેરવાની આદત હોય છે જે જાહેરમાં સ્વીકાર્ય નથી હોતા. શુક્રવાર (19 મે)ના રોજ જાહેર કરવામાં  આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષકોએ વર્ગખંડમાં  માત્ર નરમ રંગના ઔપચારિક કપડાં પહેરીને જ શિક્ષણ કાર્ય કરવું જોઈએ અને તેમણે પાર્ટીવેર  કપડાં પહેરવા જોઈએ નહીં. 




શનિવારે (20 મે) ના રોજ ટ્વિટર પર આ આદેશ શેર કરતા આસામના શિક્ષણ પ્રધાન રનોજ પેગુએ લખ્યું કે શાળાના શિક્ષકો માટે નિર્ધારિત ડ્રેસ કોડ અંગે કેટલીક ગેરસમજો છે. હું શાળાના શિક્ષકો માટેના ડ્રેસ કોડ અંગે સ્પષ્ટતા માટે સૂચના શેર કરી રહ્યો છું. નોટિફિકેશનમાં જણાવાયું છે કે એવું જોવામાં આવ્યું છે કે કેટલાક શિક્ષકોને તેમની પસંદગીના કપડાં પહેરવાની આદત હોય છે જે ક્યારેક જાહેરમાં સ્વીકાર્ય નથી લાગતું.


તેમણે વધુમાં જણાવ્યું છે કે શિક્ષક પાસેથી વિશેષ રુપથી પોતાનું કર્તવ્યોનું નિર્વહન કરતા સમયે તમામ પ્રકારની શાલીનતાનું એક  ઉદાહરણ બેસાડવાની અપેક્ષા રાખવામાં આવે છે.  એટલે એક ડ્રેસ કોડનું પાલન કરવું જરૂરી બન્યું છે જે  કાર્યસ્થળ પર મર્યાદા, શાલીનતા  અને ઉદેશ્યની ગંભીરતાને દર્શાવે છે. 


નિયત ડ્રેસ કોડના નિયમ મુજબ પુરૂષ શિક્ષકોએ માત્ર ઔપચારિક કપડાં જ પહેરવા જોઈએ, જેમાં ફોર્મલ શર્ટ-પેન્ટ સ્વીકૃત ડ્રેસ છે.  મહિલા શિક્ષકોએ સલવાર સૂટ/સાડી/ પહેરવા જોઈએ.  ટી-શર્ટ, જીન્સ અને લેગિંગ્સ જેવા કપડાં ન પહેરવા જોઈએ.   નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પુરૂષ અને મહિલા શિક્ષકો બંનેએ સાધારણ અને યોગ્ય રંગના કપડાં પહેરવા જોઈએ .