નવી દિલ્હી:  પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે થશે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન  યોજાવાનું અને આસામમાં ત્રણ તબક્કામાં યોજાશે. શનિવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર અને આસામની 47 બેઠકો પર મતદાન થશે.  પશ્ચિમ બંગાળમાં મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈને સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે તો આસામમાં સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.


પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 30 બેઠકો આદિવાસી વિસ્તાર પુરુલિયા, બાંકુરા, ઝાડગ્રામ, પૂર્વી મેદિનીપુર(ભાગ-1) અને પૂર્વી મેદિનીપુર(ભાગ-2) જિલ્લામાં આવેલી છે, જેના પર એક સમયે લેફ્ટ પાર્ટીનો પ્રભાવ માનવામાં આવતો હતો. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 191માંથી 19 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે 2 ઉમેદવાર એવા છે જેમની કુલ સંપત્તિ 500 રૂપિયા બતાવવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, 2016ની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMCને 211 બેઠકો પર  જીત મળી હતી. ભારતીય જનતા પાર્ટીને માત્ર ત્રણ બેઠકો પર સંતોષ કરવો પડ્યો છે. કૉંગ્રેસને આ ચૂંટણીમાં 44 સીટો અને લેફ્ટને 26 બેઠક મળી હતી. 


આસામમાં 47 બેઠકો પર મતદાન


આસામમાં 47 બેઠકો પર મતદાન થશે. 295 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કા માટે કુલ 269 ઉમેદવારોએ નામાંકન કર્યું હતું. જેમાંથી 10 ઉમેદવારોનું નામાંકન રદ્દ થયું, જ્યારે 16 ઉમેદવારોએ નામાંકન પરત લીધુ હતું. 269 ઉમેદવારોમાં કુલ 13 મહિલા ઉમેદવાર છે.


પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આઠ તબક્કમાં મતદાન યોજાશે અને  2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પ્રથમ તબક્કાનું મતદાન  આવતીકાલે એટલે કે 27 માર્ચના રોજ યોજાશે. બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.