By-Election Results 2022: છ રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો રવિવારે (6 નવેમ્બર) જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપે ચાર બેઠકો જીતી છે. આ સિવાય આરજેડી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ટીઆરએસ પણ એક-એક સીટ જીતવામાં સફળ રહી હતી. બધાની નજર તેલંગાણાની સીટ પર હતી કારણ કે આ સમયે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ રહી છે, પરંતુ તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારને સફળતા મળી નથી. જાણો પેટાચૂંટણીના પરિણામ સાથે જોડાયેલી મહત્વની વાતો.
- જે બેઠકોના પરિણામો રવિવારે જાહેર થયા તેમાં ઉત્તર પ્રદેશની ગોલા ગોકર્ણનાથ બેઠક, તેલંગાણાની મુનુગોડે વિધાનસભા બેઠક, બિહારની મોકામા અને ગોપાલગંજ વિધાનસભા બેઠક, ઓડિશાની ધામનગર બેઠક, મહારાષ્ટ્રની અંધેરી (પૂર્વ) બેઠક અને હરિયાણાની આદમપુર બેઠક સામેલ છે.
- ભાજપના ઉમેદવાર અમન ગિરીએ યુપીની ગોલા ગોકર્ણનાથ સીટ પર 34 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. આ સીટ અમનના પિતા અરવિંદ ગીરીના અવસાનના કારણે ખાલી પડી હતી. તેમણે તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટી (SP)ના વિનય તિવારીને હરાવ્યા હતા. આ પેટાચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (BSP) અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. ગત 3 નવેમ્બરે ગોલા ગોકર્ણનાથ સીટ પર પેટાચૂંટણી અંતર્ગત 57.35 ટકા મતદાન નોંધાયું હતું.
- સમાજવાદી પાર્ટી (એસપી) ના પ્રમુખ અને યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ગોલા ગોકર્ણનાથ વિધાનસભા પેટાચૂંટણીમાં ગોલમાલનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો કે સરકારે લોકશાહીને હરાવી છે. અખિલેશ યાદવે એસપી હેડક્વાર્ટરથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે મતદારોએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને 90 હજારથી વધુ મત આપીને ભાજપને પડકાર ફેંક્યો છે, આ ચૂંટણીમાં લોકશાહીની મર્યાદાને કલંકિત કરવામાં આવી છે. મતદાનના પરિણામો બહાર આવે તે પહેલા ભાજપે ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો અને ભાજપની તરફેણમાં ચૂંટણીમાં બળપૂર્વક મતો એકત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસે સમાજવાદી સમર્થકોને તેમના ઘરેથી ઉપાડીને ડરાવ્યા હતા, વહીવટી તંત્રએ ભાજપના કાર્યકરો તરીકે કામ કર્યું હતું.
- બિહારમાં બે સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આમાં સત્તાધારી ગઠબંધન અને એનડીએ વચ્ચે લડાઇ હતી. આ લડાઈ ટાઈ થઈ હતી કારણ કે બંનેએ એક-એક સીટ જીતી હતી. આરજેડીની આગેવાની હેઠળનું મહાગઠબંધન સત્તામાં આવ્યા પછી આ પેટાચૂંટણી એ પ્રથમ શક્તિ પ્રદર્શન હતું. મોકામામાં આરજેડીની જીતનું માર્જિન આ વખતે ઘટ્યું છે, જ્યારે પાર્ટી અધ્યક્ષ લાલુ પ્રસાદના હોમ ડિસ્ટ્રિક્ટ ગોપાલગંજમાં તેને ભાજપે પરાજય આપ્યો હતો.
- મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહ (RJD)ની ગેરલાયકાત અને ગોપાલગંજના બીજેપી ધારાસભ્ય સુભાષ સિંહના મૃત્યુને કારણે બંને સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. અગાઉના ધારાસભ્યોની પત્નીઓએ પોતપોતાના પક્ષ માટે બંને બેઠકો જીતી છે. આરજેડીના ઉમેદવાર અને અનંત કુમાર સિંહની પત્ની નીલમ દેવીએ મોકામા સીટ પર 16,000થી વધુ મતોથી જીત મેળવી હતી.
- ગોપાલગંજ સીટ સુભાષ સિંહની પત્ની અને બીજેપી ઉમેદવાર કુસુમ દેવીએ જીતી હતી. આરજેડીના ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તા 2,000થી ઓછા મતથી હારી ગયા. અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP)એ મળીને જીતના અંતરથી દસ ગણા મત મેળવ્યા છે.
- તેલંગણાની મુનુગોડે વિધાનસભા સીટની પેટાચૂંટણી TRS જીતી છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના ઉમેદવાર કુસુકુંતલા પ્રભાકર રેડ્ડીએ તેમના નજીકના હરીફ ભાજપના કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડીને 10,000 થી વધુ મતોથી હરાવ્યા. કોંગ્રેસના ઉમેદવાર પલવાઈ શ્રાવંતીને 21,243 મત મળ્યા હતા. અહીંની પેટાચૂંટણી કોંગ્રેસ માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી હતી. કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં રહી હતી. જેમાં તેલંગાણા પણ સામેલ છે. જો કે આ યાત્રા પણ કોંગ્રેસ માટે કોઈ ચમત્કાર કરી શકી નથી.
- ઓડિશામાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાસક બીજુ જનતા દળ (BJD) ના ઉમેદવારને ધામનગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 9,881 ના માર્જિનથી હરાવ્યા. ધામનગર બેઠક 19 સપ્ટેમ્બરે ભાજપના ધારાસભ્ય બિષ્ણુ ચરણ સેઠીના અવસાનના કારણે ખાલી પડી હતી. ભાજપના ઉમેદવાર અને સેઠીના પુત્ર સૂર્યવંશી સૂરજને 80,351 વોટ મળ્યા જ્યારે તેમના નજીકના હરીફ અંબાતી દાસને 70,470 વોટ મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર બાબા હરેકૃષ્ણા સેઠીને માત્ર 3,561 મત મળ્યા હતા.
- મુંબઈની અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ઉમેદવાર ઋતુજા લટ્ટેનો વિજય થયો. આ વર્ષે મે મહિનામાં શિવસેનાના ધારાસભ્ય અને ઋતુજા લટકેના પતિ રમેશ લટકેના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે પેટાચૂંટણીની રેસમાંથી પોતાના ઉમેદવારને પાછા ખેંચી લીધા બાદ ચૂંટણી માત્ર ઔપચારિકતા રહી ગઈ હતી. એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ધારાસભ્યોના એક વર્ગ દ્વારા બળવાને કારણે જૂનમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું પતન થયા પછી મહારાષ્ટ્રમાં આ પ્રથમ ચૂંટણી સ્પર્ધા હતી.
- હરિયાણાની આદમપુર સીટ પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને જીત મળી. ભાજપના ભવ્ય બિશ્નોઈએ તેમના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર જયપ્રકાશને લગભગ 16,000 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. ભવ્ય બિશ્નોઈના પિતા કુલદીપ બિશ્નોઈ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કુલદીપ બિશ્નોઈના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આ સીટ પર પેટાચૂંટણી જરૂરી બની ગઈ હતી. કુલદીપ બિશ્નોઈએ 2019માં અહીં બીજેપીની સોનાલી ફોગાટને હરાવ્યા હતા. સોનાલી ફોગાટનું આ વર્ષે ગોવામાં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું.