Atiq Ahmed killed: માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ સુરક્ષા વચ્ચે હત્યા કરવામાં આવી છે. અતીક અહમદ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. ત્રણેય હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અતીક મીડિયા સાથે વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન તેને માથામાં ગોળી મારવામાં આવે છે. હત્યારાઓ મીડિયા કર્મીઓ બનીને આવ્યા હતા.
નોંધનીય છે કે ઝાંસીમાં STF સાથેના એન્કાઉન્ટરમાં અતીક અહમદના પુત્ર અસદ અને ઉમેશ પાલ હત્યા કેસમાં અન્ય આરોપી ગુલામને ઠાર મારવામાં આવ્યા હતા.
ત્રણ લોકોએ મારી ગોળી
મેડિકલ કોલેજની બહાર ત્રણ લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને અતિક અને તેના ભાઈ અશરફ પર ગોળીઓ ચલાવી હતી. અતીક અને અશરફને ગોળી મારનાર ત્રણેય હુમલાખોરોએ તાત્કાલિક સરેન્ડર કરી દીધું હતું.
અતીક અહમદને મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.
બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. હાલમાં શૂટરો અંગેની જાણકારી મળી શકી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. આ દરમિયાન આશ્ચર્યની વાત એ હતી કે તમામ હુમલાખોરોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે સ્થળને કોર્ડન કરી લીધું છે