ગુરુગ્રામઃ ગુરુગ્રામમાં હોળીના દિવસે થયેલી મારપીટની ઘટના પર હવે રાજનીતિ શરૂ થઇ ચૂકી છે. એક તરફ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ મારપીટની ઘટનામાં 20થી25 લોકો સામેલ હોવાની વાત કહેવામાં આવી રહી છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ  ઘટનાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે આ ઘટનાનો ઉલ્લેખ કરી મોદીની તુલના હિટલર સાથે કરી હતી.


આ ઘટનાના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કેજરીવાલે લખ્યું કે, હિટલર પણ  સત્તા માટે આવું જ કરતો હતો. હિટલરના ગુંડાઓ લોકોને  મારતા હતા, તેમની હત્યા કરતા હતા, પોલીસ પણ જેને માર મારવામાં આવ્યો હોય તેના વિરુદ્ધ કેસ દાખલ કરતી હતી. મોદીજી સત્તા માટે હિટલરના રસ્તે ચાલી રહ્યા છે. મોદી સમર્થકોને દેખાતું નથી કે આપણું ભારત કઇ બાજુ જઇ રહ્યું છે.

નોંધનીય છે કે ગુરુગ્રામમાં હોળીની સાંજે 25 જેટલા લોકો એક ઘરમાં ઘૂસીને મારપીટ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. ટોળું ઘરમાં હાજર મહિલાઓ અને બાળકોને માર મારે છે. જાણકારોના મતે ક્રિકેટ રમવાને લઇને શરૂ થયેલી વાત મારપીટ  સુધી પહોંચી જાય છે. આ મારપીટ દિલશાદના ઘરમાં થઇ હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, તે ક્રિકેટ રમવા માટે નજીકના મેદાનમાં ગયો હતો. જ્યાં કેટલાક લોકો સાથે તેની બોલાચાલી થઇ હતી. તે લોકો કહી રહ્યા હતા કે અહીં શું કરી રહ્યા છો પાકિસ્તાન જતા રહો. બાદમાં આ લોકો ઘરે આવી ગયા અને ઘરમાં ઘૂસીને  2 બાળકો સહિત 12 લોકોને ઇજાગ્રસ્ત કરી દીધા હતા.