મુંબઈ: મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ(MCOCA)ની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૌયબાના આતંકવાદી અને 26/11 હુમલાના મુખ્ય સૂત્રધાર સૈયદ ઝૈબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંડાલ સહિત 12ને ગુરુવારે દોષિત ઠેરવ્યા છે. આ તમામને 2006માં ઔરંગાબાદમાંથી પકડાયેલા શસ્ત્રોના કેસમાં દોષિત ઠેરવાયા છે. જો કે, કુલ 22 આરોપીઓમાંથી કોર્ટે બાકીના 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મકોકા કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, ‘આરોપીઓએ 2002નાં ગુજરાતનાં રમખાણોનો બદલો લેવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી અને વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ.પ્રવીણ તોગડિયાની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર એટીએસ ટીમે 8 મે 2008ના દિવસે ઔરંગાબાદ નજીક ચાંદવાડ-મનમદ હાઈવે પર ટાટા સુમો અને ઈન્ડિકા કારમાં ભાગી રહેલા ત્રણ આતંકીઓને 30 કિલો આરડીએક્સ અને 10 એકે-47 એસલ્ટ રાઈફલ અને 3200 બુલેટ્સ સાથે ઝડપી પાડ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ, ઈન્ડિકા કાર જુંડાલ ચલાવી રહ્યો હતો, પરંતુ તે નાસી છૂટવામા સફળ રહ્યો હતો અને થોડા દિવસ બાદ બાંગ્લાદેશથી પાકિસ્તાન પહોંચી ગયો હતો. જો કે, 2012માં જુંડાલને સાઉદી અરેબિયાથી દેશવટો આપી ભારત મોકલી દેવાયો હતો.