નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે વર્ષોથી ચાલી આવતા વિવાદીત કેસ, રામ જન્મભૂમિ વિવાદ પર 9મી નવેમ્બરે મોટો ચૂકાદો આપ્યો. અયોધ્યા મામલે આવેલા ચૂકાદાને લઇને હવે એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો છે.


ઔવેસી પર અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા પર ટિપ્પણી કરવાનો આરોપ છે. ભોપાલના જહાંગીરબાગ પોલીસ સ્ટેશનમાં ઔવેસી વિરુદ્ધ પવન કુમાર યાદવ દ્વારા અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કેસ નોંધાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે અસદ્દુદીન ઔવેસીએ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર નારાજગી દર્શાવી હતી. ઔવેસીએ કોર્ટના નિર્ણય સામે અસંતુષ્ટિ જતાવતા કહ્યું હતું કે, પાંચ એકર જમીન મુસલમાનોને ખેરાત નથી જોઇતી. ઔવેસીએ કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઇ શકે છે.



ઔવેસીએ કહ્યું કે અમે અમારા અધિકાર માટે લડી રહ્યાં છીએ, પાંચ એકર જમીન નથી જોઇતી, આપણે આ પાંચ એકર જમીનના પ્રસ્તાવને ફગાવી દેવો જોઇએ. અમારા પર કૃપા કરવાની જરૂર નથી.

ઔવેસીએ કહ્યુ કે જો મસ્જિદ ત્યાં હોતી તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેતુ, આ કાયદાની વિરુદ્ધમાં છે. બાબરી મસ્જિદ ના પડતી તો ચૂકાદો શું આવતો? જેમને બાબરી મસ્જિદને પાડી દીધી, તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનુ કામ આપવામાં આવ્યુ છે.



અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો.....
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. તે સિવાય કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો હતો. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આ નિર્ણય સર્વસન્મતિથી સંભાળાવ્યો હતો.