નવી દિલ્હીઃ મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ મોટી આતંકી વિરુદ્ધની કાર્યવાહી કરી, એરફોર્સે એલઓસી પાર કરીને આતંકી અડ્ડાઓને તબાહ કરી દીધા. પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે ભારતે પહેલીવાર મોટી એર સ્ટ્રાઇક કરી હતી.


ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 વિમાનોએ જબરદસ્ત એટેક કર્યો, 21 મિનીટ ચાલેલી કાર્યવાહીમાં પીઓકેમાં ત્રણ સ્થળે ભયંકર બૉમ્બમારો કર્યો. 1000 કિલો વિસ્ટોટક આતંકીઓ ઉપર ફેંક્યો અને આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.

આ અંગે માહિતી આપતાં ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર તો બચી ગયો પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી માર્યો ગયો છે.

ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવેલા હુમલામાં 350 આતંકી ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આતંકીઓનાં ઠેકાણા અને લોન્ચ પેડનો પણ ખાત્મો કરી દેવાયો છે. આ હુમલામાં જૈશનો આકા મસૂદ અઝહર પાકિસ્તાની સેનાની ઓથ પાછળ છુપાયો હોવાથી તો તે બચી ગયો છે પરંતુ તેનો સાળો યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ઠાર મરાયો છે.