નવી દિલ્હી:  નવા કૃષિ કાયદા વિરુદ્ધ લગભગ છેલ્લા ચાર મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. તેની વચ્ચે શુક્રવારે એટલે કે આવતીકાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે.  સંયુક્ત ખેડૂત મોર્ચા અનુસાર, આ બંધ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. ખેડૂતોના ભારત બંધને અનેક રાજકીય પાર્ટીએ સમર્થન આપ્યું છે. 


સંયુક્ત મોર્ચના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીની સરહદ પર ખેડૂતોના સંઘર્ષને આવતીકાલે 26 માર્ચે 4 મહિના પૂરા થવા પર ખેડૂત વિરોધી સરકાર વિરુદ્ધ ભારત બંધ રાખવામાં આવશે. સંયુક્ત કિસાન મોર્ચાના આહવાન પર દેશના તમામ સંગઠનો, મજૂર સંગઠનો, છાત્ર સંગઠનો, બાર સંઘ, રાજકીય પાર્ટીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ આ બંધનું સમર્થન કર્યું છે. 



કિસાન મોરચાએ જણાવ્યું કે, પૂર્ણ ભારત બંધ અંતર્ગત તમામ દુકાનો, મોલ, બજારો અને સંસ્થાઓ બંધ રહેશે. તમામ નાના મોટા રસ્તાઓ અને ટ્રેનોને અવરોધિત કરવામાં આવશે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેશે. દિલ્હીની અંદર પણ ભારત બંધનો પ્રભાવ જોવા મળશે.


ખેડૂત નેતા દર્શન પાલસિંહે જણાવ્યું હતું કે, દિલ્હીની જે સરહદ પર ખેડૂતો ધરણા કરી રહ્યાં છે રસ્તાઓ પહેલાથી જ બંધ છે. તે દરમિયાન  વૈકલ્પિક માર્ગો ખોલવામાં આવ્યા હતા. આવતીકાલે ભારત બંધ દરમિયાન તે વૈકલ્પિક માર્ગો પણ બંધ રહેશે.



કિસાન મોરચાએ જણાવ્યું કે, તમામ પ્રદર્શનકારી નાગરિકોને શાંત રહે અને આ બંધને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વિવાદમાં ભાગ લેશો નહીં.


ભારત બંધને કૉંગ્રેસનું સમર્થન


કોંગ્રેસ, સીપીઆઈએમ સહિત અનેક પક્ષો દ્વારા ખેડૂતોના ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બહેરા શાસકોને જાગૃત કરવા નિર્ણાયક સંઘર્ષની જરૂર પડે છે. વર્તમાન ખેડૂત આંદોલન આ કડીનો એક ભાગ છે. ત્રણસો ખેડૂત ભાઈઓની શહાદત બાદ પણ મૂકદર્શક બનેલી મોદી સરકારને જગાડવાનો સમય આવી ગયો છે.  26 માર્ચે શાંતિપૂર્ણ અને ગાંધીવાદી ભારત બંધને અમારું સમર્થન છે.