Nupur Sharma Case: નૂપુર શર્મા કેસમાં હવે નૂપુર શર્માને ધમકી આપનારાઓની ધરપકડ શરૂ કરવામાં આવી છે. ભીમસેના ચીફ નવાબ સતપાલ તંવરને સોશિયલ મીડિયા પર બીજેપી નેતા નુપુર શર્માને ધમકી આપવી ભારે પડી છે. ફેસબુક વીડિયોમાં તંવરે નૂપુરની જીભ કાપવા  પર 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની વાત કરી હતી. આ સાથે તેણે ભાજપના આ મહિલા નેતા સામે અપમાનજનક વાતો પણ કરી હતી. આ અંગે બીજેપી યુવા પાંખના પ્રમુખ સર્વપ્રિયા ત્યાગીએ દિલ્હી પોલીસમાં નવાબ સતપાલ તંવર વિરુદ્ધ FIR નોંધાવી હતી.


ભાજપ યુવા પાંખની ફરિયાદના આધારે કાર્યવાહી
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફેસબુક વીડિયોમાં ભીમ સેનાના પ્રમુખ નવાબ સતપાલ તંવરે નૂપુર શર્માની જીભ કાપવા  માટે એક કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ સાથે વીડિયોમાં તંવરે નૂપુર પર  અપમાનજનક ટિપ્પણી કરવાની સાથે ધમકી પણ આપી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરની કથિત રીતે હિંસા ભડકાવવા અને ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ પયગંબર મુહમ્મદ વિશેની કથિત ટિપ્પણી બદલ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરી છે. બીજેપી યુવા વિંગના પ્રમુખ સર્વપ્રિયા ત્યાગીની ફરિયાદ પર દિલ્હી પોલીસે ભીમ આર્મી ચીફ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 


સતપાલને ઘરેથી જ ઉઠાવી ગઈ પોલીસ 
ગુરુવારે સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટે તંવરની તેના ઘરેથી ધરપકડ કરી હતી. બીજી બાજુ, સાયબર સેલના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “અમે વીડિયોની નોંધ લીધી છે. આમાં તંવરને ખૂની ટિપ્પણી કરતા સાંભળી શકાય છે અને તે નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અમે તંવરની ગુડગાંવમાંથી ધરપકડ કરી છે, તેના પર આઈપીસી કલમ 506 (ગુનાહિત ધમકી), 509 (મહિલાનું અપમાન) અને 153 એ  (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


નોંધનીય છે કે આ પહેલા, ગુડગાંવ પોલીસે ભીમ આર્મી ચીફ તંવર વિરુદ્ધ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ, ઉશ્કેરણી, ઇરાદાપૂર્વક અપમાન અને ગુનાહિત ડરાવવાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.