નવી દિલ્હીઃ બિહારની સ્પેશ્યલ બ્રાન્ચનો એક આદેશ હાલના દિવસોમાં ચર્ચામાં છે. વાસ્તવમાં સ્પેશ્યલ બ્રાન્ચની ઇન્ટેલિજન્સ વિંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના સંગઠનોના રાજ્ય પદાધિકારીઓ અંગેની જાણકારી એકઠી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મે મહિનામાં સ્પેશ્યલ બ્રાન્ચના તમામ ડિપ્ટી એસપીને જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આરએસએસ અને તેના સંગઠનોના  પદાધિકારીઓના નામ અને સરનામાની જાણકારી એકઠી કરવા કહેવામાં આવ્યું છે. સ્પેશ્યલ બ્રાન્ચ તરફથી જાહેર કરાયેલા આદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ સમિતિ, ધર્મ જાગરણ સમ્નયવ સમિતિ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, હિંદુ રાષ્ટ્ર સેના, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, શિક્ષા ભારતી. દુર્ગા વાહિની, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, ભારતીય મજૂર સંઘ, ભારતીય રેલવે સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય શિક્ષક મહાસંઘ, હિંદુ મહાસભા, હિંદુ યુવા વાહિની, હિંદુ પુત્ર સંગઠનના પદાધિકારીઓના  નામ  અને એડ્રેસ માંગવામાં આવ્યા છે.

સ્પેશ્યલ બ્રાન્ચનો આ આદેશ આ વર્ષે 28 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશની કોપી સામે આવ્યા બાદ બિહાર પોલીસના  ટોચના અધિકારીઓ કાંઇ પણ બોલવાથી બચી રહ્યા છે. નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ રૂટિન અભ્યાસ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ નિયમિત સમય પર આ પ્રકારની જાણકારી એકઠી કરતી રહે છે.

બિહાર સરકારના આ આદેશ પર પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા સંજય પાસવાને  કહ્યું કે, બિહારની પોલીસ સરકાર દ્ધારા સંઘના લોકો અંગેની જાણકારી એકઠી કરવાનો આદેશ ખૂબ ગંભીર છે. જેને ભાજપ અને સંઘ બંન્ને ગંભીરતાથી લઇ રહ્યા છે.