Cyclone Biparjoy Updates : ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન 'બિપરજોય' ખૂબ જ ખતરનાક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને આવનારા દિવસોમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્ર અને પાડોશી દેશ પાકિસ્તાનને અસર કરી શકે છે. IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત બુધવારે સવાર સુધી ઉત્તર તરફ આગળ વધશે. આ ચક્રવાત માત્ર ભારત જ નહીં પણ પાડોશી દેશોને પણ અસર પહોંચાડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને જખૌ બંદર પાસે માંડવી (ગુજરાત) સાથે અથડાઈ શકે છે. ત્યાર બાદ તે કરાચી એટલે કે પાકિસ્તાનના દરિયાકાંઠે પણ અથડાશે. હાલ મળતા અહેવાલ અનુંસાર બિપરજોય વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપમાં ફેરવાઈ જશે. ગુરુવારે બપોર સુધીમાં દરિયાકાંઠેથી 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ચક્રવાતી પવન ફૂંકાશે.
IMDએ વધુમાં આગાહી કરી છે કે, બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. ગુરુવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે શુક્રવારે ઉત્તર ગુજરાત અને તેની આસપાસના દક્ષિણ રાજસ્થાનમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
13 થી 15 જૂન વચ્ચે ભારે વરસાદ અને 150 કિલોમીટર (કિમી) સુધીના પવનની ઝડપને કારણે કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું હતું કે ચક્રવાત 15 જૂન બપોરે 125-130 કિમી પ્રતિ કલાકની ઝડપે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને કરાચીના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.
પાકિસ્તાને સિંધના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ
ચક્રવાતી તોફાન બિપરજોયના પગલે, પાકિસ્તાની સત્તાવાળાઓએ દક્ષિણ સિંધ પ્રાંતમાં નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે. ચક્રવાતી તોફાન વધુ આક્રમક બને તેવી સંભાવના છે અને તેની અસરને કારણે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું આ ચક્રવાત રવિવારે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું.
હાલમાં ચક્રવાત કરાચીથી 690 કિમી દક્ષિણમાં
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે ચક્રવાતી તોફાન સિંધના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વીય ભાગોને અસર કરી શકે છે. પાકિસ્તાનના હવામાન વિભાગે રવિવારે કહ્યું કે ચક્રવાતી સિસ્ટમ કરાચીથી 690 કિમી દક્ષિણમાં સ્થિત છે. ચક્રવાતી તોફાન પાકિસ્તાનમાં કેટી બંદર અને તેની આસપાસના વિસ્તારોમાં પહોંચે તેવી શક્યતા છે. કેટી બંદર સિંધનું સૌથી જૂનું બંદર છે.