નવી દિલ્હીઃ પશ્વિમ ચંપારણના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલને ભાજપ બિહારના પ્રદેશ અધ્યક્ષ બનાવવામા આવ્યા છે. ભાજપ કાર્યાલય તરફથી શનિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. સંજય જયસ્વાલ પછાત જાતિના છે. પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી એમબીબીએસની ડિગ્રી હાંસલ કરનારા સંજય જયસ્વાલ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે.

સંજય જયસ્વાલના પિતા મદન પ્રસાદ જયસ્વાલ પણ સાંસદ રહી ચૂક્યા છે. મદન પ્રસાદ પણ ત્રણ વખત ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. તે ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. પાર્ટી પ્રત્યે ઇમાનદારી અને નિષ્ઠાથી કામ કરવાના કારણે ભાજપે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તેમની છબિ સાફ છે.સૌમ્ય વ્યવહારના કારણે તે જનતા વચ્ચે ખૂબ લોકપ્રિય છે.

બીજી તરફ સતીશ પૂનિયાને રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. પૂનિયા મૂળભૂળ રીતે રાજગઢના છે અને આમેરથી ધારાસભ્ય છે. રાજસ્થાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ મદન લાલ સૈનીના નિધન બાદ છેલ્લા ત્રણ મહિનાથી ખાલી હતું.