નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પા ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. કુમાર સ્વામીની સરકાર પડ્યાના બે દિવસ બાદ યેદિયુરપ્પાએ કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. સરકાર બનાવ્યા બાદ તેમને 31 જૂલાઇ સુધી બહુમત સાબિત કરવો પડશે. નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભામાં સભ્યોની સંખ્યા હાલમાં 222 છે અને 14 ધારાસભ્યોના રાજીનામા અધ્યક્ષે નિર્ણય લેવાનો છે.


યેદિયુરપ્પા પ્રથમવાર 12 નવેમ્બર 2007ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ સાત દિવસમાં જ તેમની સરકાર પડી ગઇ હતી. બીજી વખત 30 મે 2008માં મુખ્યમંત્રી બન્યા અને 31 જૂલાઇ 2011 સુધી પદ પર રહ્યા હતા. જોકે, કાર્યકાળ પૂરો થવાના અગાઉ રાજીનામું આપી દેવું પડ્યું હતું તેમના સ્થાને ડી વી સદાનંદ ગૌડા મુખ્યમંત્રી બન્યા હતા. 2018માં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ત્યારે  યેદિયુરપ્પા ફરી મુખ્યમંત્રી બન્યા પરંતુ બે દિવસ બાદ રાજીનામું આપી દેવું પડ્યુ હતું. હવે કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે.

યેદિયુરપ્પાનો જન્મ માંડ્યા જિલ્લાના બુકાનાકેરમાં 27 ફેબ્રુઆરી 1943એ લિંગાયત પરિવારમાં થયો હતો, તેઓ ફક્ત 15 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થયા હતા. 1970માં તેઓ શિકારીપુરા તાલુકાથી જનસંઘના પ્રમુખ બન્યા.વર્તમાનમાં શિમોગા લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા યેદિયુરપ્પા 1983માં આ બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. આ બેઠક પરથી તેઓ પાંચ વખત ધારાસભ્ય બન્યા છે.

યેદિયુરપ્પા ઇમરજન્સી દરમિયાન જેલ પણ ગયા હતા. 1965માં સામાજિક કલ્યાણ વિભાગમાં ફર્સ્ટ ક્લાસ ક્લાર્કની નોકરી છોડી યેદિયુરપ્પા નોકરી છોડી શિકારીપુરા જતા રહ્યાં જ્યાં તેઓએ વિરભદ્ર શાસ્ત્રીની શંકર ચોખા મીલમાં એક ક્લાર્કનું કામ સંભાળ્યું. બાદમાં તેમણે શિમોગામાં હાર્ડવેરની દુકાન ખોલી હતી. પોતાના કોલેજકાળમાં તેઓ RSSના નેતા રહ્યાં, 1970માં તેઓએ સામાજિક સેવા શરૂ કરી.

2008ની ચૂંટણીમાં યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપને જીત હાંસલ કરી અને દક્ષિણમાં પ્રથમવાર તેમના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી હતી. યેદિયુરપ્પા બેંગલુરુમા જમીન ફાળવણીને લઇને પોતાના દીકરાના પક્ષમાં મુખ્યમંત્રી કાર્યાલયના કથિત દુરુપયોદને લઇને વિવાદમાં ફસાયા હતા. ગેરકાયદેસર ખનન મામલામાં લોકાયુક્તે તેમના પર અભિયોગ લગાવ્યો અને 31 જૂલાઇ 2011માં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યુ હતું. આ કેસમાં તેઓ એક સપ્તાહ જેલમાં પણ રહ્યા હતા. આ ઘટનાને લઇને ભાજપથી નારાજ યેદિયુરપ્પાએ ભાજપ છોડી દીધુ અને કર્ણાટક જનતા પક્ષની રચના કરી. તેમણે 2013ની ચૂંટણીમાં છ બેઠકો અને 10 ટકા મત મેળવીને ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો.

બાદમાં 9 જાન્યુઆરી 2014ના રોજ યેદિયુરપ્પાએ કેજેપી પાર્ટીનું ભાજપમાં વિલય કરાવ્યુ હતું અને બાદમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે રાજ્યમાં 17 બેઠકો પર જીત મેળવી હતી. યેદિયુરપ્પાને સીબીઆઇની ખાસ અદાલતે તેમને , તેમના બે દીકરા અને જમાઇને 40 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ખનન મામલામાં નિર્દોષ જાહેર કર્યા હતા.