ખટીમાથી ભાજપના ધારાસભ્ય પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. દેહરાદૂન સ્થિત રાજભવન પર રાજ્યપાલ બેબી રાની મૌર્યે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ધામી સિવાય ભાજપના સીનિયર નેતા સતપાલ મહારાજ, હરક સિંહ રાવત, બંશીધર ભગત, યશપાલ આર્ય, બિશન સિંહ ચુફાલ, સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડેય, ગણેશ જોશી, ધન સિંહ રાવત, રેખા આર્ય અને યતીશ્વરાનંદે મંત્રી પદના શપથ લીધા છે.


પહાડી રાજ્ય ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું તે બાદથી રાજ્ય અત્યાર સુધીમાં 10 મુખ્યમંત્રી જોઈ ચુક્યુ છે. શુક્રવારે તીરથ સિંહ રાવતે (Tirath Singh Rawat)  આશરે 4 મહિના સુધી રાજ્યની કમાન સંભાળ્યા બાદ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું, નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી (Youngest CM of Uttrakhand) છે.


કોણ છે પુષ્કર સિંહ ધામી



  •  પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1975માં પિથોરાગઢમાં થયો છે. તેમણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે.  ધામીએ 1990 થી 1999 સુધી જિલ્લાથી લઈ રાડજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિવિધ પદો પર કામ કર્યુ છે. તેઓ બે વખત ભારતીય જનતા યુવા માર્ચના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે.

  • પુષ્કર સિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.  ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 2012 અને 2017માં આ બેઠક પરથી જીત્યા છે.

  • ધામીને ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે.

  • બરોજગારીની સાથે વિકાસના મુદ્દાને લઈ તેઓ અગ્રેસર રહે છે. પુષ્કર સિંહ ધામીએ 2002 થી 2008 દરમિયાન સમગ્ર રાજ્યમાં પરિભ્રમણ કરીને અનેક બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા રેલી કાઢી હતી.


એક સપ્તાહથી તીરથ સિંહને હટાવવાની થતી હતી અટકળો


 


છેલ્લા એક સપ્તાહથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉત્તરાખંડમાં ફરી એકવાર મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે. તીરથ સિંહ રાવતના રાજીનામા પાછળનું કારણ બંધારણીય મજબૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ હજી રાજ્યના કોઈપણ ગૃહના સભ્ય નહોતા. મુખ્યમંત્રી તરીકે તેમને ચાલુ રાખવાની રીતમાં પણ આ જ બાબત આવી રહી હતી. ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા પછી તીરથ સિંહ રાવતે 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદની શપથ લીધા હતા. હવે બંધારણ મુજબ પૌડી ગઢવાલથી ભાજપના સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવી પડે એમ હતું, તો જ તેઓ મુખ્યમંત્રી રહી શક્યા હોત, એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી.