દેશનું સામાન્ય બજેટ ભલે આવી ગયું હોય, પરંતુ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય લોકોનું બજેટ બગાડી નાખ્યું છે. વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર આ મામલે ખુબ નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે મંગળવારે ભાજપના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ પેટ્રોલ ડીઝલની કિંમત પર કટાક્ષ કર્યો છે.


સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, રામના ભારતમાં પેટ્રોલ 93 રૂપિયા, સીતાના નેપાળમાં 53 રૂપિયા અને રાવણી લંકામાં 51 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે.


તમને જણાવીએ કે, પેટ્રોલ ડીઝલની કિંમત મામલે ભારત એ દેશોમાં સામેલ છે, જ્યાં સૌથી વધારે કિંમતે પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે.

જો ભારતમાં પેટ્રોલ ડીઝળની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 86 રૂપિયાને પાર છે, જ્યારે ડીઝળની કિંમત 76 રૂપિયાની નજીક છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 92.86 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.

હાલમાં જ રજૂ કરવામાં આવેલ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝળ પર કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે. પેટ્રોલ પર અઢી રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયાનો કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, ત્યાર બાદ લોકોના મનમાં ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમત વધવાની ચિંતા છે. સરકારનું કહેવું છે કે, સેસની સામાન્ય લોકોના ગજવા પર કોઈ અસર નહીં પડે.