કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં જયશ્રી રામના નારા પર વિવાદ વકરી રહ્યો છે. શનિવારે ઉત્તર 24 પરગના જિલ્લાના કાંચરાપાડામાં તૃણમુલ કોગ્રેસની બેઠક અગાઉ પ્રદર્શન દરમિયાન જય શ્રી રામનો નારો લગાવનારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ બંગાળ ભાજપે મમતા બેનર્જીને જય શ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવવાનો નિર્ણય લીધો છે. બૈરકપુરથી નવા ચૂંટાયેલા સાંસદ અર્જું સિંહે આ જાણકારી આપી હતી.


અર્જુનસિંહે કહ્યું કે, અમે મુખ્યમંત્રી આવાસ પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે જેના પર જય શ્રીરામ લખ્યું હશે. કાંચરાપાડામાં શનિવારે ભાજપના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસ વહીવટીતંત્રે આ કાર્યકર્તાઓને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મમતા સરકારની આ કાર્યવાહીને ભાજપે ગંભીરતાથી લીધી છે. સાંસદ અર્જુનસિંહના મતે ભાજપના કાર્યકર્તાઓની જય શ્રીરામ બોલવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી એટલા માટે તેમની પાર્ટી જય શ્રીરામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મમતા બેનર્જીને મોકલશે.