નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મિશન 256 પ્લસ માટે શનિવારે બીજેપીની પરિવર્તન યાત્રા શરૂ થઈ હતી. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સહારનપુરમાં પરિવર્તન યાત્રાને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટી પર નિશાન સાંધ્યું હતું.


અમિત શાહે પરિવર્તન રેલીમાં અખિલેશ સરકાર પર હુમલો કરતા કહ્યું કે સમાજવાદી પાર્ટીની સરકારમાં રાજ્યમાં કોઈ વિકાસ થયો નથી. શાહે કહ્યું કે 15 વર્ષોમાં સપા-બસપાએ યૂપીનો વિકાસ રોકી દીધો છે. કાકા-ભત્રીજો એક બીજાને ગાળો ભાંડી રહ્યા છે. યૂપીમાં બીજેપીની સરકાર બની તો પાંચ વર્ષમાં અમે દેશનું નંબર વન રાજ્ય બનાવી દઈશું. શાહે દાવો કર્યો છે કે યૂપીમાં બીજેપીને બહુમતી મળશે, તેમને કહ્યું કે ઉત્તર પ્રદેશનો વિકાસ માત્ર અને માત્ર બીજેપીની સરકાર જ કરી શકે તેમ છે.

શાહે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષી પત્ર વોટબેંકની રાજનીતિ માટે મુસ્લિમ મહિલાઓના અધિકારની સાથે છેડખાની કરી શકે છે. શાહે કહ્યું કે ત્રણ તલાકના મુદ્દા પર રાજનીતિ કરવામાં આવી રહી છે. ત્રણ તલાકને ખતમ કરી દેવી જોઈએ.

વન રેંક વન પેંશન પર કોંગ્રેસ પર નિશાન સાંધતા શાહે કહ્યું કે પીએમ મોદીએ પૂર્વ સૈનિકોને વન રેંક વન પેંશન આપ્યું છે. વન રેંક વન પેંશન ઈંદિરા ગાંધીના સમયથી લટક્યું હતું. અમિત શાહે કહ્યું કે રાજીવ ગાંધી પીએમ હતા, ત્યારે વન રેંક વન પેંશન કેમ આપવામાં આવ્યું નહોતું.