નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને રોજગારમાં મરાઠા સમુદાય માટે અનામત આપવા સંબંધિત મહારાષ્ટ્ર સરકારના 2018ના કાયદાના અમલ પર આજે રોક લગાવી દીધી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકોને આ લાભ મળી ગયો છે તેમની સ્થિતિમાં કોઇ ફેરફાર નહી થાય.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટની પીઠે આ મામલાને લાર્જ બેન્ચને સોંપી દીધો હતો જેની રચના ચીફ જસ્ટિસ એસ એ બોબડે કરશે.આ અરજીઓમાં શિક્ષણ અને રોજગારમાં મરાઠા સમુદાય માટે અનામતની જોગવાઇ સંબંધિત કાયદાને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2018નો કાયદાનો જે લોકો લાભ ઉઠાવી ચૂક્યા છે તેમની સ્થિતિમાં કોઇ ફેરફાર નહી થાય. મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે શિક્ષણ અને રોજગારમાં અનામત કાયદો 2018 બનાવ્યો હતો.
મુંબઇ હાઇકોર્ટે ગયા વર્ષે જૂનમાં આ કાયદાને યથાવત રાખતા કહ્યું હતું કે 16 ટકા આરક્ષણ યોગ્ય નથી. રોજગારીમાં કોટા 12 ટકા અને એડમિશનમાં 13 ટકાથી વધારે ન હોવા જોઈએ. 27 જુલાઈના રોજ મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ આપ્યો હતો કે તે વિભાગો, જનસ્વાસ્થ્ય અને મેડિકલ શિક્ષણ તથા સંશોધનને બાદ કરતા 12 ટકા મરાઠા આરક્ષણના આધાર પર ભરતીની પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી આગળ નહીં વધારવામાં આવે.
હાઈકોર્ટે ગતા વર્ષે 27 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે ઈન્દિરા સાહનીના ચુકાદા પ્રમાણે વિશેષ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી 50 ટકાની મર્યાદાથી વધારે આરક્ષણ આપી શકાય છે. આ સાથે મહારાષ્ટ્ર સરકારના એ તર્કનો પણ સ્વીકાર કર્યો હતો કે મરાઠા સમુદાય સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત છે તથા તેમના વિકાસ માટે આ પગલાં ભરવા જરૂરી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 30 નવેમ્બર 2018ના રોજ એક બિલ પાસ કર્યુ હતુ જેમાં મરાઠા સમુદાય માટે 16 ટકા અનામતની જોગવાઇ કરાઇ હતી.