બેગ્લુંરુઃ પાકિસ્તાનના આતંકી કેમ્પો પર મંગળવારે ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં બીજેપીને રાજકીય ફાયદો દેખાઇ રહ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ બુધવારે રાજકીય જશ ખાટવા બફાટ કર્યો હતો.
યેદિયુરપ્પાએ કહ્યું કે, પાકિસ્તાનના આતંકી કેમ્પો પર ભારતની એરસ્ટ્રાઇકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં લહેર પેદા કરી દીધી છે. આનાથી બીજેપીને લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટકમાં 28માંથી 22 બેઠકો જીતવામાં મદદ મળશે.
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, દિવસે દિવસે બીજેપીના પક્ષમાં લહેર બની રહી છે. પાકિસ્તાનને અંદર ઘૂસીને આતંકી કેમ્પોને તબાહ કરી દેવાનું પગલાથી દેશમાં મોદીના પક્ષમાં લહેર બની છે. આનું પરિણામ આગામી લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.
કર્ણાટકના ચિત્રદુર્ગમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમને કહ્યું કે, આ એર સ્ટ્રાઇકની કાર્યવાહીએ દેશના નૌજવાનોમાં જોશ ભરી દીધો છે. આનાથી અમને કર્ણાટકની 22થી વધુ બેઠકો જીતવામાં મદદ મળશે.