વાત વાતમાં દરેક મુદ્દાની સાથે વિરોધ અને અસહમતિ દર્શાવતી શિવસેના અને બહુજન સમાજવાદી પાર્ટીએ રાજ્યસભામાં મોદી સરકારનું સમર્થન કર્યુ હતું. નોંધનીય છે કે, શિવસેના બીજેપીની સહયોગી પાર્ટી હોવા છતાં કેટલાય મુદ્દા પર મોદી સરકારનો વિરોધ કરી ચૂકી છે. જ્યારે બીએસપી પહેલાથી જ મોદી સરકારની નીતિઓના વિરોધમાં છે.
શિવસેનાએ ખુલીને સહકાર અને સમર્થન આપતા કહ્યું કે, અમે 370 કલમ મુદ્દે સરકારની સાથે છીએ. આ સરકાર આતંકીઓ સામે ઝૂકવાની નથી.
વળી, બીજી બાજુ બીજેપીના કટ્ટર વિરોધી ગણાતી માયાવતીની પાર્ટી બીએસપીએ પણ ખુલ્લુ સમર્થન આપ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના આ નિર્ણયનો અર્થ છે કે અનુચ્છેદ 370ના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા, તે હવે ખતમ થઇ ગયા છે. હવે જમ્મુ-કાશ્મીર ભારતના અન્ય રાજ્યોની જેમ સામાન્ય રાજ્ય હશે. અમિત શાહની આ જાહેરાત બાદ રાજ્યમાં અનુચ્છેદ 370 પુરેપુરી રીતે લાગુ નહીં થાય.
ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લદ્દાખથી અલગ કરી દેવામાં આવ્યુ છે. લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. અમિત શાહે જેવું આ બિલ રજૂ કર્યુ તેવો રાજ્યસભામાં હંગામો શરૂ થઇ ગયો હતો, રાજ્યસભાને થોડીકવાર સુધી સ્થગિત પણ કરી દેવી પડી હતી.