નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્રને મોટા સમાચાર મળી રહ્યા છે. કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી એફેર્સે ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી યોજવાની ભલામણ કરી છે.

  


રાજ્યસભા સચિવાલય પાસે ઉપલબ્ધ આંકડા મુજબ અત્યાર સુધીમાં 179 રાજ્યસભા સાંસદોએ કોરોના વેક્સીન લીધી છે.  લોકસભાના 403 સાંસદોએ કોરોના રસી લીધી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કેટલાક સાંસદોએ હજુ સુધી બીજો ડોઝ નથી લીધો. જ્યારે 30 સાંસદોએ રસી અંગે કોઈ જવાબ આપ્યો નથી. તેમની રસીકરણની સ્થિતિ જાણવા સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાંસદો અને સંસદના કર્મચારીઓના રસીકરણનો ઉચ્ચ દર લાંબા સંસદ સત્ર અને હાઈ પ્રોડક્ટિવિટીની સંભાવના સુધારે છે. કોરોનાના કારણે 40થી વધારે ખરડા અને બિલ અટકી ગયા હોવાનું સ્પીકરે જણાવ્યું હતું.


સંસદમાં સત્ર દરમિયાન આરટી-પીસીઆર ટેસ્ટ અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમો પણ જળવાઈ રહેશે. કોરોનાના કારણે રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડી સહિત અનેક નેતાઓના મોત થયા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદો, તેમના પરિવારજનો અને સંસદીય અધિકારીઓ માટે રસીકરણ કેમ્પ રાખ્યો હતો.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ 5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે. દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.