Modi Cabinet Decision: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના આગામી તબક્કાને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. જે અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં સડક બનાવાશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, આ ફેંસલાથી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારો અને આદિવાસી વિસ્તારોને ફાયદો થશે. આ ઉપરાંત 5 રાજ્યોના 44 જિલ્લાના  7266 ગામમાં 4જી ટાવરની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.


અનુરાગ ઠાકુરે કહ્યું, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના પ્રથમ અને બીજા તબક્કા અંતર્ગત રોડ કનેક્ટિવિટી સાથે જોડવાથી જે વિસ્તારો રહી ગયા હતા તેમને આવરી લેવાશે. આદિવાસી વિસ્તારોને પણ તેનો લાભ થશે. આ યોજના પર અંદાજે 33,822 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.






આ ગામોમાં લાગશે મોબાઈલ ટાવર


ગામડા સુધી મોબાઈલ ટાવરની પહોંચ વધારવા માટે કેન્દ્રીય કેબિનટે મોટો ફેંસલો લીધો છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, જ્યાં ટેલિકોમ ટાવર અને કનેક્ટિવિટી નથી તેવા જિલ્લાને આવરી લેવામાં આવશે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના 44 જિલ્લાના 7266 ગામમાં મોબાઈલ ટાવરની સુવિધા આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ ગામોમાં 4જી સર્વિસ આપવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ યોજના પર 6466 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.






ક્રિપ્ટોકરન્સી પર ન થઈ ચર્ચા


કેબિનેટમાં લેવામાં આવેલા ફેંસલાની જાણકારી આપતાં અનુરાગ ઠાકુરે કહ્યું, ક્રિપ્ટોકરન્સીના મુદ્દે આજે બેઠકમાં કોઈ ચર્ચા થઈ નહોતી. મંગળવારે ક્રિપ્ટોકરન્સીને લઈ નાણા મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં મોટાભાગના સભ્યોએ કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી પર રોક લગાવી શકાય નથી પરંતુ તેને રેગ્યુલેટ કરવાની જરૂર છે.