સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ વરસાદ શરૂ છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદને લઈ આગાહી કરી છે. મહત્વની વાત એ છે કે, અમેરિકી હવામાન વિભાગનું કહેવું છે કે, પ્રશાંત મહાસાગરમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2020થી ‘લા નિનો’ની અસર જોવા મળે તેવી સંભાવના છે. ‘લા નિનો’ને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસાની વિદાય મોડેથી થાય તેવી સંભાવના છે. આની અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે જેને કારણે તીવ્ર ઠંડી જોવા મળશે. હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર દેશમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે આજે અને આવતીકાલે ગુજરાતમાં અનેક જગ્યાએ ભાગે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

‘અલનિનો’ની સ્થિતિમાં ભારતમાં ચોમાસું અનિયમિત થાય છે અને દુષ્કાળ પડે છે. જ્યારે ‘લા નિનો’ની સ્થિતિમાં ચોમાસામાં વધુ વરસાદ આવે છે અને અનેક ઠેકાણે પૂરની સ્થિતિ સર્જાય છે. ‘અલનિનો’ કે ‘લા નિનો’ અંદાજે 9થી 12 મહિના સુધી રહે છે.

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના જળવાયુ વિજ્ઞાની રઘુ મુર્તુગ્દે જણાવ્યું હતું કે, મધ્ય ભારત અને પશ્ચિમી કાંઠે હાલમાં સામાન્યથી લઈ સામાન્ય વરસાદ થયો છે. પરંતુ ‘લા નિનો’ને કારણે હવે ઓગસ્ટના બાકી દિવસોમાં અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના જોવા મળી રહી છે. સપ્ટેમ્બર સૌથી વધુ વરસાદવાળો મહિનો બની શકે છે અને તેને કારણે વર્તમાન ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ શકે છે.

બીજી બાજુ ભારતીય હવામાન વિભાગ પૂણેના વિજ્ઞાની ડો. ડી.એસ.પાઈએ જણાવ્યું હતું કે, ‘લા નિનો’ની સંભાવના તેમણે ઘણાં સમય પહેલા જ વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં 104 ટકા વરસાદની સંભાવના છે. જોકે કેટલાક હવામાન મોડલ જણાવે છે કે, ઈન્ડિયન ડાયપોલ નેગેટિવ થઈ શકે છે અને પછી સામાન્યથી વધુ વરસાદ થશે.